કોરોના વાયરસઃ દેશમાં રિકવરી રેટ ૯૬.૭ ટકા થયો, ૨૪ કલાકમાં ૧,૧૮૩ લોકોનાં મૃત્યુ
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. અનેક રાજ્યોમાં સ્થિતિ ખૂબ ઝડપથી સુધરી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૮,૬૯૮ કેસ નોંધાયા છે. આ દરમિયાન ૬૪,૮૧૮ લોકો સાજા થયા છે. ૨૪ કલાકમાં દેશમાં ૧,૧૮૩ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં સાજા થવાનો દર ૯૬.૭ ટકા થયો છે.
દેશમાં કોરોના વાયરસના અત્યારસુધી ૩,૦૧,૮૩,૧૪૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેની સામે ૨,૯૧,૯૩,૦૮૫ લોકો સાજા થયા છે.
દેશમાં હાલ ૫,૯૫,૫૬૫ લોકો એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે. દેશમાં કોરોનાથી મોતનો આંકડો ચાર લાખની નજીક પહોંચ્યો છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ ૩,૯૪,૪૯૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધી કુલ ૩૧.૫૦ કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે ૧૧,૫૪૬ કેસ કર્ણાટકમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૯,૬૦૪, તાલિમનાડુમાં ૫,૭૫૫, આંધ્ર પ્રદેશમાં ૪,૪૫૮ કે નોંધાયા છે. કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૫૧૧ લોકોનાં મોત થયા છે. તામિલનાડુમાં ૧૫૦, કર્ણાટકમાં ૧૧૪, કેરળમાં ૧૧૮ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.
શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨૩ કેસ નોંધાયા છે. જેની સામે ૪૩૧ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ત્રણ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૪૫ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૨૮ ટકા છે. અત્યારસુધીમાં કોરોના વેક્સીનના ૨,૪૨,૬૦,૭૦૩ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ત્રણ દર્દીનાં મોત થયા છે. અમદાવાદ, ગીર સોમનાથ અને જામનગરમાં ૧-૧ દર્દીનું મોત થયું છે. રાજ્યમાં હાલ ૪,૧૧૬ દર્દી એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૩૮ દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે ૪,૦૭૮ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધી કુલ ૮,૦૮,૮૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.