કોરોના વાયરસઃ ફિલિપાઈન્સમાં ફસાયેલા ૨૦૦થી વધુ ગુજરાતીઓ પરત લવાશેઃ નીતિન પટેલ
ગાંધીનગર, નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિલિપાઈન્સમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ ગુજરાત લાવવા માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતુ. ફિલિપાઈન્સમાં ૨૦૦થી વધુ ગુજરાતીઓ ફસાયા છે. અને કોરોના વાયરસના હાહાકારને પગલે ફિલિપાઈન્સ સરકારે વતન પરત જતા લોકોને ૧૯મી માર્ચના રાતના ૧૨ વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે ત્યારબાદ ફિલિપાઈન્સના પાટનગર મનીલાને લોક ડાઉન કરવામાં આવશે.
કોરોના વાયરસને કારણે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મહામારી વચ્ચે ફિલિપાઈન્સમાં ગુજરાતી અને ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ફસાયા છે. હાલમાં ફિલિપાઇન્સની રાજધાની મનિલાને લોકડાઉન કરવામાં આવી છે. જેના કારણે ત્યાં રહીને એમબીબીએસના વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં એકલા મનિલામાં ગુજરાતી ૨૫થી ૨૬ જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ત્યારે ફિલિપાઇન્સમાં ફસાયેલ ગુજરાતીઓ અંગે નીતિન પટેલે કહ્યું કે ફિલિપાઇન્સથી વિધાર્થીઓ પરત આવવા માંગે છે. ત્યારે અમે સમગ્ર મામલે મુખ્ય સચિવને વિદેશ મંત્રાલય સાથે વાત કરવાનુ કહ્યુ છે. અને વિદેશ મંત્રીએ પણ સ્પેશિયલ પ્લેન મોકલી અને તમામને પરત લાવવાની ખાતરી આપી છે.
ફિલિપાઈન્સમાં ૧૯મી માર્ચના પાટનગર મનીલા અને તેની આસપાસના ૧૨ કિલોમીટરના એરિયામાં લોકડાઉન જેવી સ્થિતિ અમલમાં મુકાય તેવા સંજોગોમાં ગુજરાતના ૧૨૦ વિદ્યાર્થી સહિત ૨૦૦થી પણ વધારે ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે.ફિલિપાઈન્સમાં તબીબી અભ્યાસ કરતાં ગુજરાતના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સ સરકારે ૭૨ કલાકની મુદત આપી છે પરંતુ ભારત સરકારે તકેદારી માટે ફિલિપાઈન્સથી આવતી ફ્લાઈટને લેન્ડ ન થવા દેવાનો નિર્ણય કર્યો હોવાથી અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને ફસાયેલા અન્ય લોકો સોશિયલ મીડિયા અને સગા-સંબંધીઓ મારફતે ભારત અને ગુજરાત સરકાર તેમને ૧૯મી માર્ચ પૂર્વે ભારત પરત આવી શકે તેવી વિનંતી કરી રહ્યા છે.
ફિલિપાઈન્સમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાઈરસે ભરડો લીધો છે. અત્યાર સુધીમાં ૧૯૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૪ દર્દીઓનાં મોત થયા નિપજ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. લોકો વાઈરસથી બચવા ઘરમાં પુરાઈ ગયા છે. બીજી તરફ બજારો પણ સંપૂર્ણપણે બંધ થતાં આવશ્યક ચીજવસ્તુઓની પણ તંગી સર્જાઈ રહી છે.