કોરોના વાયરસનાં કારણે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થશે
નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસનાં પ્રકોપનાં કારણે પણ ઈંધણની માંગમાં ઘટાડો થયો છે. જેના કારણે ભાવ ઘટી રહ્યાં છે. ટ્રમ્પ ચૂંટણી જીતવા માટે ઓઈલના ભાવ પર નિયંત્રણ રાખશે.
ચીનમાં કોરોના વાયરસનો કહેર છે. જેના કારણે અત્યાર સુધી ૧૭૭૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે ચીનમાં પરિવહન વ્યવસ્થા અને ઉદ્યોગ-ધંધા પ્રભાવિત થયા છે. આ કારણોસર ચીનમાં ઈંધણની માગમાં ઘટાડો થયો છે. જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો પર દબાણ વધી રહ્યું છે.ઘટતી કિંમતોના કારણે ઓપેક અને રશિયાએ પણ ઉત્પાદનમાં ૬ લાખ બેરલ વધારાનો ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. બીજી તરફ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે. જેથી ટ્રમ્પ પણ નહીં ઈચ્છે કે ક્રૂડ ઓઈલના ભાવ વધે. કેમ કે ઓઈલના ભાવને નિયંત્રણમાં રાખનાર અમેરિકાની ચૂંટણી જીતી શકે છે. જેના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવમાં ગત અઠવાડિયે તેજી આવી હતી પરંતુ કોરોના વાયરસના કારણે તેલની માંગણી નરમ રહેવાના કારણે કિંમતોમાં વધારાની આશા જોવા મળી રહી નથી. બીજી તરફ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીનો અંદાજ છે કે આ વર્ષના પહેલા ભાગમાં ક્રુડ ઓઈલની વૈશ્વિક ખપત ગત વર્ષની સરખામણીએ ૪.૩૫ લાખ બેરક ઘટી શકે છે.