કોરોના વાયરસના કારણે ચીની નાગરિકોને ૫ ફેબ્રુઆરી સુધી ઇશ્યૂ કરેલા વિઝા રદ કરાયા
નવીદિલ્હી: ચીનમાં મહામારીનું રૂપ લઇ ચૂકેલા વાયરસે ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. સાવધાનીના ભાગરૂપે ભારત સરકારે ચીની નાગરિકોને ૫ ફેબ્રુઆરી અથવા તે પહેલાં ઇશ્યૂ કરેલા વિઝા રદ કરી દીધા છે. જાણકારી અનુસાર આગમી સૂચના સુધી ચીની નાગરિકોના વિઝા રદ રહેશે.
દરમિયાન સરકારે ૨૫થી વધુ દવાઓ અને ફોર્મુલેશન્સના એક્સપોર્ટ પર ત્વરિત ધોરણે પ્રતિબંધ મૂક્યો છે. ચીનથી રો મટિરિયલના ઇન્પોર્ટમાં સમસ્યા થતા પ્રોડક્શનમાં ઘટાડો થવાની આશંકા છે. જેના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે એવી દવાઓમાં પેરાસીટામોલ, ટીનીડાઝોલ, મેટ્રોનીડાઝોલ, વિટામિન બી૧,બી૬,બી ૧૨, પ્રોજેસ્ટેરોન એ મુખ્ય દવાઓ છે. આને લઈ ડીજીએફટીએ હાલની એક્સપોર્ટ પોલિસીમાં ફેરફાર માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
રિપોર્ટ મુજબ સરકારે પેરાસીટામોલ સહિત દવાઓ બનાવવામાં ઉપયોગ થતા ૨૬ ફોર્મૂલેશન અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇંગ્રીડિએન્ટ્સના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ચીન સહિત અન્ય દેશોમાં કોરોના વાયરસના ચેપ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટિનિડેઝોલ, મેટ્રોનાઇડેઝોલ, વિટામિન બી૧, બી૬,બી૧૨ અને પ્રોજેસ્ટેરોન બનાવવામાં કામ આવનારા ફોર્મૂલેશનના એક્પોર્ટ પર પણ રોક લગાવવામાં આવી છે.
ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે મંગળવારે આ અંગે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ ત્વરિત ધોરણે લાગૂ થશે. ફાર્માસ્યૂટિકલ્સ એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતથી દવાઓનું કુલ એક્સપોર્ટ ૧૯૦૦ કરોડ ડોલર(લગભગ ૧.૩૫ લાખ કરોડ રૂપિયા) નોંધાયું હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માંગ આધારે ડીપીટી અને બીસીજી માટે લગભગ ૬૫ ટકા દવાઓ ભારતમાં બને છે અને ઓરીની રસીના ૯૦ ટકા ટીકા ભારતમાં બને છે. જેનેરિક દવાઓ બનાવનારી દુનિયાની ટોચની ૨૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ ભારતમાં છે.