કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ સાવચેતીના ભાગરૂપે કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ ધર્મગુરૂઓ સાથે બેઠક યોજી
ભરૂચ: કોરોના વાયરસનાં સંક્રમણને ભરૂચ જિલ્લામાં અટકાવવા તેમજ સાવચેતીના ભાગરૂપે કલેકટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે ધર્મગુરૂઓ સાથે કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ બેઠક યોજી માર્ગદર્શન આપ્યુ હતું.તકેદારીના ભાગરૂપે ધાર્મિક સહિતના કાર્યક્રમો હાલ મોકુફ રાખવા કલેકટરએ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને અનુરોધ કર્યો હતો.
જીલ્લા કલેક્ટરએ વિવિધ ધર્મ સંપ્રદાયોના ધર્મગુરૂઓને અપીલ કરતાં કોરોના વાયરસ થી બચવા માટેની જે રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે તેને અવશ્ય પાલન કરવું જોઈએ.કોરોના વાયરસ નાં સંક્રમણને ભરૂચ જીલ્લામાં ફેલાતો અટકાવવા માટે જીલ્લા તંત્રની સાથે જીલ્લાવાસીઓએ સહયોગ પુરૂ પાડવો આવશ્યક છે.કોરોના વાયરસ થી કોઈએ ગભરાવાની જરૂર નથી તકેદારી,સાવચેતી રાખવાની જરૂર છે.
જ્યા ત્યાં થુકીને,ધુમ્રપાન,ગંદકી કરવી નહિ,ગંદકી કરનારને દંડ કરવામાં આવે છે.શાળા કોલેજોની સાથે ટ્યુશન ક્લાસિસ પણ હાલ બંધ કરાયા છે.કલેક્ટરે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સાવચેતીના પગલાં સાથે લોક સહયોગ જરૂરી છે તેમ જણાવ્યું હતું.વિવિધ ધર્મ સંપ્રદાયના આગેવાનોએ તમામ સ્તરે સહકાર આપવાની ખાતરી આપી હતી.આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન,જીલ્લા આરોગ્ય અધિકારી ત્રિપાઠી,વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ,આરોગ્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.