કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે લુણાવાડા S.T.ડેપો અને એસ.ટી.વર્કશોપની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ
લુણાવાડા: નોવેલ કોરોના વાયરસ (COVID 19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. તે સંદર્ભે મહીસાગર જિલ્લામાં કોરોના વાઇરસને અટકાવવાની સાવચેતીના ભાગરૂપે ભારત અને રાજય સરકારના માર્ગદર્શનનો જિલ્લા, તાલુકા, શહેર અને ગ્રામ્ય સ્તરે ચુસ્ત અમલ કરાવવાની સાથે આરોગ્ય સહિતના તમામ સંલગ્ન ક્ષેત્રોને તેના પાલનની જવાબદારી સોંપવામાં આવી છે.
તમામ કચેરીઓમાં, જાહેર સ્થળોએ સાફ સફાઇની બાબતમાં ચુસ્તપણે અમલ કરી એક કર્મચારીને આ અંગે જવાબદારી સોપવામાં આવી છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસની પરીસ્થિતિને ધ્યાને લેતાં રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર તરફથી પરિપત્ર મારફતે સમયાંતરે મળેલ સૂચનાઓ ધ્યાને લઇ તકેદારીના પગલારૂપે મહીસાગર જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડે લુણાવાડા ખાતે આવેલ એસ.ટી બસ મથક અને એસ.ટી.વર્કશોપની મુલાકાત લઇ થઇ રહેલ સ્વચ્છતાના ચુસ્ત પાલન અંગે, એસ.ટી બસ કમ્પાઉન્ડ, એસ.ટી.કચેરી, એસ.ટી.વર્કશોપ, એસ.ટી બસોની સાફ સફાઇ, કોરોના વાઇરસ જાગૃતિ અંગેના હોર્ડીગ અને શૌચાલય સહિતની સ્વચ્છતા અંગે જાત નિરીક્ષણ કરી ઉપસ્થિત એસ.ટી ડેપો મેનેજરશ્રી એચ.આર.પટેલ અને એસ.ટી. અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સલાહ સુચનો કર્યા હતા.
ગુજરાત માર્ગ પરિવહન નિગમના લુણાવાડા ખાતેના એસ.ટી ડેપો મેનેજર શ્રી પટેલેએ જણાવ્યું કે, કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે તમામ બસોની અંદરનાં ભાગમાં અને બહારના ભાગમાં વોશીંગ પાવડર અને જંતુ નાશક દ્રાવણથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ જ તમામ બસોને રૂટમાં મોકલવામાં આવે છે. બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં પણ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. શૌચાલયમાં હેન્ડવોશ મુકવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડમાં તમામ મુસાફરોને બેસવા માટે બાંકડા છે. તેમજ મુસાફરોને અગમચેતીના ભાગરૂપે કોરોના વાયરસથી બચવા શુ કરવું જોઇએ તે અંગેની વિગતો કન્ટ્રોલ રૂમમાંથી વારંવાર એનાઉન્સ કરી જનતાને જાગૃત કરવામાં આવે છે. આ સમગ્ર મુલાકાત દરમ્યાન અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર.ઠકકર અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.