કોરોના વાયરસની રસી એપ્રીલમાં રશિયન અબજાેપતિઓ અને નેતાઓને આપવામાં આવી હતી
મોસ્કોમાં કેટલાકે એપ્રિલમાં જ કોરોના વેક્સીનનો ડોઝ લીધો
મોસ્કો, વિશ્વભરમાં કોરોના વાયરસની વેક્સીન માટે સતત સંઘર્ષ ચાલુ છે. અત્યાર સુધીમાં વિશ્વના ૧૯૬ દેશો કોરોના વાયરસથી પરેશાન છે. અત્યાર સુધી કોરોનાને કારણે ૬ લાખ લોકોના મોત થયા છે. આ દરમિયાન, રશિયાએ દાવો કર્યો છે કે તેણે માણસો પર કોરોના વાયરસ રસીની અજમાયશ પૂર્ણ કરી લીધી છે.
ત્યારે રશિયાની આ વેક્સીન વિશે હવે મોટો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું છે કે, રશિયન અબજાેપતિઓને એપ્રિલમાં જ કોરોના વેક્સીનનો ડોઝ લઈ લીધો હતો.
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, કોરોના વાયરસની પ્રાયોગિક રસી એપ્રિલમાં જ રશિયન અબજાેપતિઓ અને રાજનેતાઓને આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, જે લોકોને આ રસી આપવામાં આવી હતી તેમાં ઉચ્ચ અધિકારીઓ, અબજાેપતિઓ અને એલ્યુમિનિયમની વિશાળ કંપની યુનાઈટેડ રસેલના સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. આ રસી એપ્રિલમાં મોસ્કો સ્થિત રશિયન સરકારી કંપની ગમલેયા ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
આ રસીને તૈયાર કરવા માટે રશિયન આર્મી અને સરકારી રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા નાણાં આપવામાં આવતા હતા. આ રસીનું પ્રથમ ટ્રાયલ ફક્ત ગયા અઠવાડિયે જ પૂર્ણ થયું હતું. આ પરીક્ષણ રશિયન સૈન્યના સૈનિકો પર કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ લોકો સામેલ હતા. જાેકે, સંસ્થાએ હજી સુધી તેનું પરિણામ જાહેર કર્યું નથી. હવે આ રસીનો વધુ લોકો પર ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ પુતિનને આપવામાં આવી છે કે કેમ તે અંગે રશિયન અધિકારીઓએ કઈ જણાવ્યું નથી. રશિયામાં કોરોના વાયરસના ૭,૫૦,૦૦૦ કેસ નોંધાયા છે. રશિયાની ગમલેઈ રસી પશ્ચિમી દેશો કરતા ઝડપથી આગળ વધી રહી છે. આ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. રશિયા, સાઉદી અરેબિયા અને યુએઈના હજારો લોકો તેમાં ભાગ લેશે. માનવામાં આવે છે કે રશિયા સપ્ટેમ્બર સુધીમાં તેના નાગરિકોને કોરોના વાયરસની રસી આપશે.