કોરોના વાયરસને કારણે મોદીનો ગુજરાત પ્રવાસ મોકૂફ
ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ અને ૨૨ માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર હતાં પરંતુ કોરોના વાયરસને કારણે તેમણે ગુજરાતનો પ્રવાસ રદ કર્યો છે. ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૨૧ માર્ચ અને ૨૨મી માર્ચનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી બીએસ ૬ ધોરણ હેઠળના પેટ્રોલ અને ડીઝલનું લોન્ચિંગ કરનાર હતાં. તેમજ ૨૨મી માર્ચે જૂનાગઢથી ખેડૂતોને દિવસે વીજળી આપવા ગુજરાત સરકારે જાહેર કરેલી દિનકર યોજનાનો પ્રારંભ કરવાના હતા.અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં નવી બનેલી યુ.એન. મહેતા હાર્ટ હાસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના હતાં. તેમજ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી તેમજ બોટિંગ સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાના હતાં, પરંતુ કોરોના વાયરસને કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.