કોરોના વાયરસને કારણે વરરાજાની ગેરહાજરી છતાંય રિસેપ્શન યોજાયું !
કોચ્ચી, કોરોનાવાયરસના હાહાકારની વચ્ચે કેરળમાં એક અનોખો પ્રસંગ બન્યો છે. લગ્ન થયા પહેલાં જ વરરાજાની ગેરહાજરીમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું. વરરાજાની ગેરહાજરીમાં દુલ્હનને લોકો લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. આ રિસેપ્શનમાં વર અને વધૂ પક્ષના તમામ સભ્યો હાજર હતા ઉપરાંત સગા-સંબંધીઓ અને ગામના લોકો પણ દુલ્હનને શુભેચ્છાઓ આપવા એકત્ર થયા હતા.
વરરાજા વગર જ રિસેપ્શન આયોજન કરવા પાછળનું કારણ કોરોનાવાયરસ છે. મૂળે, યુવક લગ્ન કરવા માટે એક સપ્તાહ પહેલા જ કેરળ આવ્યો હતો. પરંતુ તેના ટેસ્ટ કરવામાં આવતા તેને કોરોનાવાયરસની અસર હોવાનું બહાર આવતાં લગ્નને પાછળ ઠેલી દેવામાં આવ્યા છે. લગ્નનું મુહૂર્ત ૪ ફેબ્રુઆરીનું હતું પરંતુ કોરોનાવાયરસની શક્યતાને જોતાં યુવકને સારવાર માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હોવાથી તે પાછળ ઠેલી દેવામાં આવ્યા છે. પરંતુ બંને પરિવારોએ નક્કી કર્યું કે આમંત્રિત લોકોને એમ પાછા ન મોકલી શકાય તેથી તેઓએ લગ્ન બાદ આયોજિત કરવામાં આવતા રિસેપ્શનનું આયોજન કર્યું. જેમાં જેના લગ્ન થવાના છે તે વરરાજા જ ગેરહાજર હતો. યુવકને ડાક્ટરોએ ૨૮ દિવસ સુધી લોકોના સંપર્કમાં ન આવવાની સલાહ આપી છે.
આ યુવકને હાલમાં પોતાના ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગામ પંચાયત સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, તેમને એક દિવસ પહેલા જ લગ્નની જાણકારી મળી હતી. સૂત્રો મુજબ અમે ૩ ફેબ્રુઆરીએ જ લગ્નની જાણકારી મળી હતી. સ્વાસ્થ્ય નિરીક્ષકે તાત્કાલીક જિલ્લા ચિકિત્સક અધિકારી (ડીએમઓ)નો સંપર્ક કર્યો અને અમે જરૂરી કાર્યવાહી કરવા પગલાં ભર્યા.
તેઓએ જણાવ્યું કે, અધિકારીઓના હસ્તક્ષેપ બાદ પરિવારે લગ્ન સ્થગિત કરી દીધા. યુવક ચીનના વુહાનથી ૧૫૦૦૦ કિલીમીટર દૂર યીવૂમાં એકાઉન્ટન્ટની નોકરી કરે છે. તે ૧૯ ફેબ્રુઆરીએ કોચ્ચિ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ચીનમાં હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનમાં કોરોનાવાયરસના સૌથી વધુ મામલા સામે આવ્યા છે.સૂત્રોએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય અધિકારીઓએ તેને કહ્યું કે સરકાર દ્વારા જાહેર સ્વાસ્થ્ય માપદંડો હેઠળ તે લગ્ન ન કરી શકે. આ માપદંડો હેઠળ ચીનથી પરત ફરેલા લોકોને સ્વાસ્થ્ય અધિકારીઓને તેની જાણકારી આપવી પડશે અને ૨૮ દિવસ સુધી ઘરમાં જ રહેવું પડશે.