કોરોના વાયરસને લઈ કોઈ પગલા ન લેવાય તો અર્થવ્યવસ્થા બરબાદ થઇ જશે: રાહુલ
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાયરસ એક મોટી સમસ્યા છે અને જો તેના પર નક્કર પગલા લેવામાં નહીં આવે તો દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે આ સમસ્યાના સમાધાન તરફ પગલા લેવાને બદલે આ સરકાર બેખબર પડી છે.
રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું હતું કે “હું પુનરાવર્તન કરીશ કે કોરોના વાયરસ ખૂબ મોટી સમસ્યા છે.” આ સમસ્યાનું અવગણવું એ સમાધાન નથી. જો કડક પગલા લેવામાં નહીં આવે તો ભારતીય અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. ”
તેમણે દાવો કર્યો હતો કે આ સરકાર બેખબર પડી છે. કોંગ્રેસ નેતાએ ગુરુવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન કોરોના વાયરસની સમસ્યા અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને સૂઈ રહ્યા છે. જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના ૭૫ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. કોરોનાવાયરસને કારણે દેશમાં પણ એકના મોતની પુષ્ટિ થઈ છે.
આ મૃત્યુ કર્ણાટકના કલબુર્ગીમાં થયું છે, જ્યાં એક ૭૬ વર્ષીય વૃદ્ધને કોરોના વાયરસ તેનો શિકાર બનાવી લીધો. ગુરુવારે મહારાષ્ટ્રથી વધુ બે કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. કારોનોવાયરસની અસર વેપાર, રમતો સહિત લગભગ દરેક ક્ષેત્ર પર પડી છે.