Western Times News

Gujarati News

કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીમાં અત્યાર સુધી પ્રજાથી મોઢું સંતાડનારી કોંગ્રેસને  હવે છેક કેમ જવાબદાર વિપક્ષ તરીકેનું ભાન આવ્યું?


નિવેદનીયા વાયરસથી પીડાતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ગૃહ રાજ્યમંત્રીનો સણસણતો સવાલ

‘‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન’’નું ગતકડું માત્ર રાજકીય લાભ ખાટવા અને તૂષ્ટિકરણની રાજનીતિ કરવા જ કોંગ્રેસે કર્યુ છે:- ગૃહ રાજ્યમંત્રીશ્રી

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ દ્વારા પ્રજાજનોને કોવિડ-19માં સહાયરૂપ થવા શરૂ કરાયેલી ‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન’ને તકવાદી રાજકારણનું એક આગવું ઉદાહરણ ગણાવ્યું છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજાના મન-માનસમાંથી ફેકાઇ ગયેલી કોંગ્રેસ હવે છાશવારે નિવેદનો અને પ્રચારમાં રહેવા માટેના ગતકડાં ઊભાં કરી પોતાનું અસ્તિત્વ ટકાવવાના હવાતિયાં મારે છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વિપક્ષના પ્રદેશ પ્રમુખે જે બફાટ કર્યો છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ગુજરાત મૂલાકાતમાં તંત્ર વ્યસ્ત રહ્યું અને કોરોના ફેલાયો તેની સાફ શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું છે કે, એ દિવસોમાં કોરોના અંગે એક પણ નિવેદન કોંગ્રેસના કોઇ નેતાએ આપ્યું જ નથી.

એટલું જ નહિ, એ દિવસોમાં કોરોનાની બિમારી ભારતમાં કે ગુજરાતમાં હતી જ નહિ એનું સામાન્ય જ્ઞાન પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને નથી તે જ કોંગ્રેસની અજ્ઞાનતા છતિ કરે છે એમ શ્રી જાડેજાએ ઉમેર્યુ હતું.  તેમણે કહ્યું કે, હકિકત તો એ છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ગુજરાત યાત્રાને જે જવલંત સફળતા મળી અને વિશ્વમાં ગુજરાતની જે આગવી છાપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વથી ઊભી થઇ તેનાથી ડઘાઇ ગયેલી કોંગ્રેસ હવે આવા નિવેદનોથી પોતાનો પાંગળો બચાવ કરે છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને અચાનક લોકડાઉન કર્યુ અને સરકારના મુખ્યમંત્રીથી લઇને બધા ઘરે બેઠા છે એવા બેજવાબદાર નિવેદનો જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સામાન્ય જ્ઞાનની પણ સમજ નથી તે સ્પષ્ટ પૂરવાર કરે છે.
શ્રી જાડેજાએ આ સંદર્ભમાં કહ્યું કે, લોકડાઉનને કારણે જ ભારત-ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક બનતું અટકયું છે.
તેમણે પ્રતિપક્ષના પ્રમુખે જે નિવેદન મિડીયામાં કર્યુ કે સરકારના મુખ્યમંત્રી સહિત બધા ઘરે બેઠા છે તેનો કડક પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની શ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર આ મહામારીમાં પ્રજાની સતત પડખે રહી છે.

હોસ્પિટલોની મૂલાકાતો, વિડીયો કોન્ફરન્સથી નિયમીત સ્થિતીની સમીક્ષા, દવાઓ-સાધનોનો જથ્થો ઉપલબ્ધ કરાવવાથી માંડીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજથી અનેક રાહતો સહાય પણ અમે આપી છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમે તો પૂર, વાવાઝોડુ, તીડના ટોળાનો હુમલો કે કોઇપણ સંકટ સમયે પ્રજાની સાથે, પ્રજાની પીડામાં ભાગીદાર અને તેના નિવારણમાં સતત કાર્યશીલ રહેનારી સંસ્કૃતિના લોકો છીએ.  કોંગ્રેસની જેમ આફત આવે ત્યારે મોઢું સંતાડવાની ફિતરત અમારી નથી તેવો સ્પષ્ટ જવાબ આપતાં પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એવા દાવા કરે છે કે કોંગ્રેસનો કાર્યકર પ્રજાની વચ્ચે આવી મહામારીમાં ઊભો રહેલો છે.

પરંતુ તેમને એ યાદ છે ખરૂં કે, બનાસકાંઠાના પ્રચંડ પૂર વેળાએ મુખ્યમંત્રી સહિત આખી સરકાર સાત-સાત દિવસ સુધી બનાસકાંઠામાં પ્રજા સાથે હતી ત્યારે તમારા ધારાસભ્યો બેંગ્લોરના પૂલમાં ધૂબાકા મારી મોજ-મસ્તી કરતા હતા.  અરે, હમણાં પણ જ્યારે પ્રજા કોરોનાથી ગભરાયેલી હતી. દહેશતનો માહોલ હતો ત્યારે પણ વિપક્ષ કોંગ્રેસે રાજકારણના આટાપાટા ખેલવા રાજ્યસભાની ચૂંટણીના રાજકારણની આડમાં પોતાના ધારાસભ્યોને જયપૂરના રિસોર્ટમાં સ્વીમીંગપૂલમાં જલસા કરવા મોકલી દીધા હતા. એમ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નિવેદનોનો જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં માર્ચની તા. ૧૯મી એ કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારથી છેલ્લા અઢી મહિનાથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ સહિત આખી સરકાર અને તંત્ર, ભાજપાના ધારાસભ્યો, સાંસદો દિવસ-રાત એક કરીને પ્રજાને આ સંક્રમણથી બચાવવાના ઉપાયોમાં અને સારવાર સેવામાં લાગેલી છે.

હવે છેક રહિ રહિને કોંગ્રેસને આવી હેલ્પલાઇન શરૂ કરવાનું કોના માટે સુઝયું એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આપે એમ પણ તેમણે ઉમેર્યુ છે.  તેમણે જણાવ્યું કે, પ્રજાની પીડામાં સંવેદના સાથે શ્રી વિજયભાઇ રૂપાણીની આખી સરકાર ઊભી રહી છે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતીમાં ધંધા-રોજગાર બંધ છે ત્યારે કોઇને ભૂખ્યા સુવું ન પડે તેની ચિંતા અમે કરી છે.
રાજ્યની કુલ વસ્તીના ૯ર ટકા એટલે કે સાડા ત્રણ કરોડથી વધુ ગરીબ, મધ્યમવર્ગીય અંત્યોદય પરિવારોને આ વિકટ સ્થિતીમાં ત્રણ-ત્રણ વાર વિનામૂલ્યે અનાજ વિતરણ કરીને ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ રૂ. ૧૦૪૦ બજાર મૂલ્યનું નિ:શૂલ્ક ભાવે અમે આપેલું છે.

રાજ્યના ૬પ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧૦૦૦ પ્રમાણે ૬૫૦ કરોડ જમા કરાવ્યા છે. એટલું જ નહિ, ગરીબ, વંચિત નિરાધાર-વૃદ્ધ ગંગા સ્વરૂપા માતા બહેનો અને દિવ્યાંગ વ્યકિતઓને પણ કુલ ૬ર૧૦ કરોડની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ સહાયથી આ વિકટ ઘડીએ આર્થિક આધાર ભાજપાની શ્રી વિજયભાઇ રૂપાણી સરકારે આપેલો છે. શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત ઊદ્યોગ વેપારમાં નંબર વન રાજ્ય છે એટલે અન્ય પ્રાંત પ્રદેશના શ્રમિકો-કારીગરો રોજી-રોટી માટે અહિં વસેલા છે.
આવા શ્રમિકોને કોરોના વાયરસની સ્થિતીમાં હાલની લોકડાઉનની સ્થિતીમાં તેમના વતન રાજ્યમાં ઘર-પરિવાર પાસે મોકલવા ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી અત્યાર સુધીમાં ૩પ૦ વિશેષ ટ્રેન દ્વારા ૪ લાખથી વધુ શ્રમિકોને ટ્રેન મારફતે તેમના ઘરે પહોચાડયા છે.
શ્રમિકોને રેલ્વે ભાડાના મૂદે તેમણે રાજનીતિ કરી રહેલા કોંગ્રેસીઓને પડકાર ફેંકયો કે આ ૪ લાખમાંથી ૪૦ હજાર શ્રમિકોના ટ્રેન ભાડાના પૈસા જો કોંગ્રેસે આપ્યા હોય તો બતાવે.
શ્રી જાડેજાએ કહ્યું કે, કોંગ્રેસને તો તૂષ્ટિકરણની રાજનીતિમાં જ રસ છે એટલે જ તેમણે તેમના આક્કાઓના ઇશારે ભરૂચ જિલ્લાની મદરેસાઓના ૮૫૦ વિદ્યાર્થીઓને બિહાર મોકલવા ટ્રેનના ભાડાના ૬ લાખ આપ્યા અને શ્રમિકોને ભાડાના નામે મગરના આંસુ સારે છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના તકેદારી પગલાં અને સામાજિક જવાબદારી રૂપે ચૈત્રી નવરાત્રિ, રામનવમી, હનુમાન જ્યંતિ જેવા તહેવારો લોકોએ ઘરમાં રહીને ઉજવ્યા ત્યારે કોંગ્રેસ ધર્મના નામે, કોમના નામે રાજનીતિ આગળ કરીને પોતે તૂષ્ટિકરણની રાજનીતિ કરવા સારૂં રમજાન મહિનામાં લોકોને બહાર અવર-જવરની છૂટની માંગણી કરીને પોતાનો અસલી ચહેરો પ્રજા સમક્ષ લાવી છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને જણાવ્યું કે પ્રજાએ આંખે પાટા બાંધેલા નથી, કોણ તેની સાથે છે, કોણ તેની વિપદામાં પડખે છે અને સહાય કરે છે એ બધું નરી આંખે જુવે છે. એટલે તમારા નિવેદનોથી ગુજરાતની પ્રજા ગુમરાહ થવાની નથી કે તમારી કોઇ કારી ફાવવાની નથી- તમે પ્રજાની આંખમાં ધૂળ નહિં નાંખી શકો.
અત્યારનો આ સમય રાજનીતિ કરવાનો નહી, સાથે મળીને કોરોનાના સંકટમાંથી રાજ્યને રાષ્ટ્રને બેઠું કરવાનો છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હકિકત જોયા જાણ્યા વિના નિવેદનો કરવાના વાયરસનો ભોગ બન્યા હોય તેમ એમના આવા બેજવાબદાર વાણી વિલાસથી લાગે છે એમ પણ શ્રી જાડેજાએ ઉમેર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.