કોરોના વાયરસ: જર્મનીમાં સ્ટાર ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ ફસાયો

નવીદિલ્હી, પાંચવારનાં ચેમ્પિયન અને સ્ટાર ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ પણ કોરોના વાયરસથી બચવામાં લાગ્યા છે. એક ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જર્મની ગયેલા વિશ્વાનાથન આનંદ ત્યાં જ ફસાઇ ગયા છે. તેમને સોમવારે એટલે આજે ૧૬ માર્ચનાં રોજ ભારત પરત આવવાનું હતું. પરંતુ તેઓ આ મહિનાનાં અંત સુધી આવી નહીં શકે. ત્યાર સુધી આનંદે પોતાની જાતને સેલ્ફ આઇસોલેશનમાં રાખ્યા છે. હાલ તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે વીડિયો કોલિંગની મદદથી વાત કરે છે.
રિપોર્ટ પ્રમાણે, વિશ્વનાથ આનંદે કહ્યું કે, આ અલગ અનુભવ છે. જિંદગીમાં પહેલીવાર મારે અલગ રહેવા મજબૂર થવું પડ્યું છે. મારા દિવસનાં મહત્મ કલાકો દીકરા અહમ અને પત્ની અરૂણા સાથે વાત કરવામાં જાય છે. તેમની સાથે વાત કરીને મને સારૂં લાગે છે. નોંધનીય છે કે, જર્મનીમાં કોરોના વાયરસનો પહેલો મામલો ૨૭ જાન્યુઆરી ૨૦૨૦માં સામે આવ્યો હતો.
આ પરિસ્થિતિમાં વિશ્વનાથન આનંદે જણાવ્યું કે, મારા દીકરો મને ફ્રેંચ ભાષામાં કેટલાક સવાલો કરે છે. તેને શાળામાં આ ભાષા ભણાવવામાં આવે છે. મને પણ થોડી ફ્રેન્ચ આવડે છે. હું તેને મદદ કરવાનો પ્રયત્ન કરૂં છું. એક રિપોર્ટ પ્રમાણે તેમની પત્ની અરૂણા ઘણી જ ચિતિંત છે. તમણે કહ્યું કે, આ અજીબ છે કે આનંદ ત્યાં છે. પરંતુ તેમની સ્થિતિ ત્યાં ફસાયેલા અન્ય લોકો કરતા વધારે સારી છે તે માટે રાહત પણ છે.
જો ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની વાત કરીએ તો, ઉત્તરપ્રદેશમાં ૧૨, કર્ણાટકમાં છ, મહારાષ્ટ્રમાં ૩૩, લદ્દાખમાં ત્રણ અને જમ્મુ કાશ્મીરમાં બે લોકો કોરોના વાયરસથી ઇન્ફેક્ટેડ છે. આ ઉપરાંત તેલંગાણામાં ત્રણ અને રાજસ્થાનમાં બે મામલા સામે આવ્યાં છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પંજાબમાં એક એક મામલો નોંધાયો છે. જ્યારે કેરળમાં સૌથી વધારે ૨૨ કેસ નોંધાયેલા છે. મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું કે, ૧૧૦ સંક્રમિત લોકોમાં ૧૭ વિદેશી છે. મંત્રાલયનાં આંકડા પ્રમાણે, કેરળનાં ત્રણ દર્દીઓ સહિત સારવાર પછી અત્યાર સુધી ૧૩ લોકોને રજા આપી દેવામાં આવી છે.