કોરોના વાયરસ જલ્દી જવાનો નથી, દસ વર્ષ સુધી આપણી સાથે જ રહેશે : BioNTech
લંડન, એક વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહેલી દુનિયાને માંડ થોડી કળ વળી હતી, તેવામાં બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળતા ફરી વખત દુનિયાભરમાં ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકોને એવું હતું કે હવે તો વેક્સિન આવી ગઇ છે એટલે કોરોના વાયરસનો અંત નજીક છે. પરંતુ હવે આ ધારણા ખોટી દેખાય છે. આ બધા વચ્ચે કોરોના વેક્સિનનું નિર્માણ કરનાર કંપની બાયોએનટેકના સિઓ ઉગુર સાહિને જણાવ્યું છે કે કોરોના વાયરસ જલ્દી જવાનો નથી આવનારા એક દશક સુધી કોરોના વાયરસ આપણી વચ્ચે રહેશે.
એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સની અંદર સાહિને એક સવાલના જવાબમાં આ વાત જણાવી છે. સાહિનને ફરી વખત જીવન સામાન્ય ક્યારે થશે તેવો સવાલ પુછવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાયોએનટેક ને ફાઇઝરે મળીને કોરોના વેક્સિન બનાવી છે. અમેરિકામાં તો તેનો ઉપયોગ થશરુ થયો જ છે પરંતુ સાથે સાથે દુનિયાના અન્ય 45 કરતા પણ વધારે દેશોમાં આ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
સાહિને આગળ કહ્યું કે લગભગ 6 અઠવાડિયાની અંદર બ્રિટનમાં કોરોનાનો જે નવો સ્ટ્રેન મળ્યો છએ તેના માટે પણ રસી બની જશે. તેમણે ટેકનોલોજીનું ઉદાહરણ આપીને કહ્યું કે મેસેન્જર ટેકનોલોજીની વિશેષતા જ છે કે અમે સીધી વેક્સિનની એન્જિનયરીંગ શરુ કરી શકીએ છીએ, જે સંપૂર્ણ રીતે નવા વાયરસ સ્ટેનની કોપી બનાવી શકે છે. તેમણે આગળ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બ્રિટનમાં આવલો કોરોનાનો નવો સ્ટ્રેન વેક્સિનની ક્ષમતાને પ્રભાવિત નહીં કરે,
બ્રિટનમાં જ્યારથી કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે ત્યારથી દેશમાં આ અઠવાડિયે સૌથી વધારે લોકોના મોત થયા છે. તો બીજો નવો વેરિએન્ટ મળ્યો છે તે દક્ષિણ આફ્રિકાના પર્યટકો સાથે જોડાયેલો છે. આ નવા સ્ટ્રેનની ઓળખ વધારે ચેપી અને ખતરનાક સ્ટ્રેન તરીકે થઇ છે.