કોરોના વાયરસ પર ખોટી અફવા પર કાર્યવાહી થશેઃ આશિષ ભાટીયા
ગાંધીનગર, કોરોનાના કપરા કાળમાં ઓક્સિજન, રેમેડેસીવર ઇજેક્શન, આઇસીયુ રુમ, એબ્યુલન્સ સેવા અને મફત સારવારને લગતી વિવિધ પોસ્ટ સોશિયલ મિડીયાના અલગ અલગ પ્લેટફોર્મ પર મુકવામાં આવે છે. જેમાંથી મોટાભાગની પોસ્ટ ખોટી માહિતી આપતી હોય છે .
જેના કારણે લોકો ગેરમાર્ગે દોરાઇ છે, અને પેનિક થઇને ચારેબાજુ દોડા દોડ કરી મૂકે છે. તો કેટલાંક લેભાગુ લોકો કોરોનામાં લોકોની મજબુરીનો ગેરલાભ લઇને સંગ્રહખોરી કરીને બમણા નાણાં વસુલે છે. ત્યારે સોશિયલ મિડીયા પર નજર રાખવા માટે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ ખાસ સુચના આપી છે અને દરેક જીલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર્સને તાકીદ કરી છે કે, સ્થાનિક સ્તરે સોશિયલ મિડીયા પર નજર રાખવા માટે સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવે.
તેમજ શંકાસ્પદ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે. જેના આધારે અમદાવાદ સહિતના શહેરોમાં અનેક કેસ પણ નોંધાયા છે. તો લગ્ન પ્રસંગમાં પણ ૨૫ મહેમાનોની મર્યાદા છે. તેવા સમયે કેટલાંક લોકો મોટા પ્રમાણમાં મહેમાનોને બોલાવે છે,
ત્યારે ફેસબુક અને ઇનસ્ટાગ્રામ જેવી અલગ અલગ સોશિયલ મિડીયાની સાઇટ પર મુકવામાં આવતી લગ્નને લગતી પોસ્ટ પર પણ પોલીસ નજર રાખી રહી છે. આમ, કોવિડ ૧૯ની ગાઇડલાઇનનો ભંગ કરનારને સોશિયલ મિડીયામાં પોસ્ટ કરતા પહેલા સો વાર વિચારજાે, નહીંતર તમારી પોસ્ટ તમને પોલીસ સ્ટેશન સુધી દોરી જશે.