કોરોના વાયરસ મહામારી બાદ મ્યુકર્માઈકોસીસના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Mukarmycosis-1.jpg)
Files Photo
અમદાવાદ: રાજ્યમાં પહેલા કોરોના વાયરસની સારવાર માટે લોકોને વલખાં મારવા પડ્યા ત્યાં હવે બ્લેક ફંગસના ઈન્જેક્શન માટે લોકોને પરેશાન થઈ છે. આ બીમારીની સારવાર એટલી છે કે દર્દીનો જીવ બચાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ આવે છે ત્યારે લોકોની મદદ કરવાના સ્થાને સરકારે ઈન્જેક્શનના ભાવ જ વધારી દીધા.
સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન સરકાર જ ખાનગી હોસ્પિટલને આપશે અને તે માટે સરકારે ભાવ પણ નક્કી કરી નાંખ્યા છે, સરકારના ર્નિણય બાદ હવે ઇન્જેક્શનના ૪૫૬૩થી ૫૯૫૦ રૂપિયા ચૂકવવા પડશે જેના ભાવ અગાઉ ૨૯૦૦થી ૩૩૦૦ રૂપિયા હતા.
નોંધનીય છે કે મ્યુકરમાઇકોસિસની સારવાર માટે દર્દીને કુલ ૯૦થી ૧૪૦ ઈન્જેક્શન આપવા પડે છે ત્યારે જૉ એક ઈન્જેક્શનનો ભાવ સરકાર દ્વારા બે હજાર રૂપિયા વધારી દેવામાં આવે તો સીધો જ સારવારમાં ઓછામાં ઓછા ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ વધશે.
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યાં કોરોના વાયરસ જેવી મહામારી સામે લડી રહેલા દેશમાં વધુ એક મહામારી લોકોના જીવ લઈ રહી છે. બ્લેક ફંગસ ભારતના લોકો પર કાળો કહેર વર્તાવી રહી છે. આખા દેશમાં બ્લેક ફંગસના કેસ મામલે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા સ્થાન પર છે ત્યારે સુરતથી આ બીમારી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
ભારત કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે, અપાર અવ્યવસ્થાના કારણે લાખો ભારતીયોને ઘણું બધુ સહન કરવું પડ્યું છે ત્યાં બીજી એક મોટી આફતે ભારતનું ટેન્શન વધાર્યુ છે. દેશમાં બ્લેક ફંગસના કેસ ખૂબ તેજીથી વધી રહ્યા છે. દેશભરમાં આ બીમારીના અત્યાર સુધીમાં ૭ હજારથી વધારે કેસ સામે આવ્યા છે જ્યારે ૨૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બ્લેક ફંગસને મહામારી જાહેર કરવા માટે રાજ્યોને આદેશ આપી દેવામાં આવ્યા છે.
ગુજરાત માટે ચિંતાની વાત કહી શકાય કે દેશમાં બ્લેક ફંગસના કેસ મામે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમ પર છે. મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કારણે સૌથી વધારે મોત થયા છે. ગુજરાતમાં કુલ ૧૧૬૩ કેસ તથા ૬૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે રાજસ્થાન ૭૦૦ તો મધ્યપ્રદેશમાં ૫૭૫ કેસ સામે આવ્યા છે.
કોરોના વાયરસ સામે લડતા દેશ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે કે હવે અન્ય એક મહામારી લોકોના જીવ લઈ રહી છે. તબીબી એક્સપર્ટનું માનવું છે કે વધુ પડતાં સ્ટીરોઇડના ઉપયોગના કારણે બ્લેક ફંગસ થઈ રૂય છે. કોરોનાની સારવાર બાદ જ આ કેસ સામે આવી રહ્યા છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા તેની મફત સારવાર માટે ર્નિણય લેવામાં આવ્યો છે અને ખાનગી હોસ્પિટલો માટે પણ સરકારે સારવારની કિંમત નક્કી કરી દીધી છે. ગુજરાત સહિતના ઘણા રાજ્યોએ બ્લેક ફંગસને એક મહામારી જાહેર કરી દીધી છે.