કોરોના વાયરસ રસીના સ્ટોરેજની તૈયારીઓ શરુ
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની રસી બનાવવાનું કામ રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકને વાયરસની રસી મળે તેના માટેની રણનીતિ બનાવી રહી છે. વેક્સીન સ્ટોરેજ, તેની જરુરી કોલ્ડ ચેઈન સહિત દરેક નાની-નાની બાબતો પર વડાપ્રધાન કાર્યાલયથી નજર રાખવામાં આવી રહી છે.
આ બધાની વચ્ચે એક મોટી ખબર સામે આવી છે. લક્સમ્બર્ગ કંપની ભારતમાં કોરોના વેક્સીનની સ્ટોરેજ માટે કોલ્ડ ચેન ફેસિલિટીનું નિર્માણ કરશે. કંપનીના સીઈઓ એલ પ્રોવોસ્ટે કહ્યું છે કે દેશમાં આગામી વર્ષના માર્ચ મહિના સુધીમાં કોલ્ડ સ્ટોરેજ કેન્દ્ર સ્થાપિત કરી દેવામાં આવશે. તેનો પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની યોજના બનાવાઈ રહી છે.
જણાવી દઈએ કે કંપનીના સીઈઓ ભારતના પ્રવાસ પર છે. તેમણે કહ્યું, લક્સમ્બર્ગથી ભારતમાં કોલ્ડ ચેન ફેસિલિટીની સુવિધા માટે ટેક્નોલોજી ટ્રાન્સફર માટે આ પ્રવાસ કરાયો છે. ગુજરાત એ રાજ્યોમાંથી એક છે જ્યાં અમે તેનો પ્લાન્ટ લગાવવા માટે સાઈટ શોધી રહ્યા છીએ.
આ સાથે કંપનીના ડેપ્યુટી સીઈઓ જે દોશીએ કહ્યું છે કે, અમે ભારતમાં તેનું નિર્માણ કરીશું અને અમારું લક્ષ્ય માર્ચ ૨૦૨૧ સુધી વિનિર્માણ યુનિટ શરુ કરવાનું છે. તેના માટે તેલંગાણા અને મહારાષ્ટ્ર રાજ્ય અમારા સંપર્કમાં છે. બન્ને દેશો વચ્ચે આર્થિક આદાન-પ્રદાન વધવાની ઘણી ક્ષમતા છે
પાછલા ૧૯ નવેમ્બરે ભારત અને લક્સમ્બર્ગ વચ્ચે થયેલી ટોચની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે આર્થિક આદાન-પ્રદાન વધવાની ક્ષમતા છે. વડાપ્રધાને દુનિયાના આ ત્રીજા સૌથી મોટા વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર દેશથી નાણાકીય અને ડિજિટલ ટેક્નોલોજીમાં સહયોગ વધારવા પર ભાર આપ્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વાર સમ્મેલનને સંબોધિત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું લોકતંત્ર, કાયદાનું રાજ અને સ્વતંત્રતા જેવા આદર્શોથી બન્ને દેશોના સંબંધો અને એકબીજાની સહયોગને મજબૂત કર્યા છે.
તેમણે લક્સમ્બર્ગના વડાપ્રધાન જેવિયર બેટેલ સાથે વાતચીત દરમિયાન કહ્યું, “આજે જ વિશ્વ કોવિડ-૧૯ મહામારીની આર્થિક અને સ્વાસ્થ્ય પડકારો સામે ઝઝૂમી રહ્યો છે, ભારત-લક્સમ્બર્ગ વચ્ચે સહયોગ બન્ને દેશો સાથે-સાથે બન્ને ક્ષેત્રોની આર્થિક સ્થિતિ સુધારવામાં ઉપયોગી થઈ શકે છે. આમ બન્ને દેશો વચ્ચેના સંબંધો વધારે વિકસિત થવાથી આગામી સમયમાં ઝડપથી સાઈટ નક્કી કરીને કોલ્ડ સ્ટોરેજ ચેઈન માટે પ્લાનનું કામ શરુ કરવામાં આવી શકે છે. જે પ્રમાણેનો પ્લાન છે તે જાેતા આગામી વર્ષના મધ્ય સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી શકે છે.