કોરોના વાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં થરાદ જૈન સંઘે રૂ. ૨૧ લાખનો ચેક કલેકટરને અર્પણ કર્યો

(માહિતી બ્યુરો, પાલનપુર) મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ત્વરિત પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે મુખ્યમંત્રી રાહત નિધિમાં આજે શ્રી ત્રિસ્તૃતીક જૈન સંઘ થરાદ દ્વારા રૂ. ૨૧ લાખનો ચેક બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેને અર્પણ કરવામાં આવ્યો હતો. થરાદ જૈન સંઘે બનાસકાંઠા કલેકટરશ્રીના રાહત ફંડમાં પણ રૂ. ૨ લાખનો ચેક અર્પણ કરી કુલ રૂ. ૨૩ લાખની માતબર રકમનું દાન કોરોના નામની મહામારી સામે લડવા આપ્યું છે.
આ પ્રસંગે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ દાતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, માન. મુખ્યમંત્રીશ્રીની અપીલ બાદ બનાસકાંઠા જિલ્લાના ભામાશાઓ દાનની સરવાણીનો ધોધ વહાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, શ્રી ત્રિસ્તૃતીક જૈન સંઘ થરાદ દ્વારા રૂ. ૨૧ લાખ અને નિવૃત્ત અધિકારીશ્રી એન. કે. રાઠોડ તથા પાલનપુરના જાણિતા ર્ડા.એસ.કે.મેવાડાએ રૂ. ૧- ૧ લાખના ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યાક છે.
શ્રી થરાદ જૈન સંઘે કલેકટરશ્રીના ડિસ્ટ્રીક્ટ રાહત ફંડમાં પણ રૂ. ૨ લાખનું દાન આપ્યું છે. આ તમામ દાતાઓને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી ધન્યવાદ પાઠવું છું. ગચ્છાધિપતિ જૈન મહારાજની પ્રેરણાથી માનવજાત પર આવી પડેલી આફતમાં દાન આપવાનો નિર્ણય થરાદ જૈન સંઘના પ્રમુખશ્રી નરસિંહભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને લેવાયો હતો. તે પ્રમાણે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨૧ લાખ અને જિલ્લા કલેકટરના રાહત ફંડમાં રૂ. ૨ લાખનો ચેક આપ્યોણ છે. આ આપત્તિના સમયે થરાદ જૈન સંઘ સરકારની પડખે રહી લોકોની સેવા કરવા તત્પર છે તેમ થરાદ જૈન સંઘના શ્રી જયંતિભાઇ વકીલે જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી વસંતભાઇ દોશી, શ્રી મુક્તિલાલ પરીખ, શ્રી ભાવેશ અદાણી સહિત થરાદ જૈન અગ્રણીઓ, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવામાં આવતું આ દાન આવકવેરાની કલમ ૮૦ જી અન્વયે કરમુક્ત છે.