કોરોના વાયરસ ૨૦થી ૨૫ એપ્રિલની વચ્ચે પીક પર હશે
નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણની વચ્ચે થોડા ચિંતામાં મૂકે તેવા સમાચાર આવી રહ્યા છે. કોરોના પર નજર રાખી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે આગામી થોડાક દિવસોમાં કોરોના પીક પર હશે. કોરોના વાયરસને લઈ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે જ્યાં આગામી ચાર સપ્તાહને ખૂબ જ અગત્યના ગણાવ્યા છે, તો બીજી તરફ આઇઆઇટી કાનપુરની ટીમે મેથેમેટિકલ મોડલના આધાર પર કહ્યું છે કે દેશમાં કોરોનાની લહેર ૨૦થી ૨૫ એપ્રિલની વચ્ચે પોતાની પીક પહોંચી જશે.
આઈઆઈટી કાનપુરનાના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ મુજબ, કોરોનાની બીજી લહેર પહેલાથી વધુ ખતરનાક જાેવા મળી રહી છે. ૧૫ એપ્રિલ એટલે કે કાલે કોરોનાના કેસે બે લાખના આંકડાને પાર કરી દીધો છે. હજુ પણ સંકટ ઘટ્યું નથી. અમારી ટીમે જે મેથેમેટિકલ મોડલથી કોરોના પર નજર રાખી છે તે મુજબ ૨૦થી ૨૫ એપ્રિલની વચ્ચે આ આંકડો બે લાખ સુધી પહોંચવો જાેઈતો હતો.
જાેકે સ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ ચૂકી છે. પીક વેલ્યૂ બદલાતી જઈ રહી છે. અમે આશા રાખી રહ્યા છીએ કે ૨૦થી ૨૫ એપ્રિલની વચ્ચે કોરોના પીક પર હશે. ત્યારબાદ થોડી રાહત મળવા લાગશે. પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે, ૨૫ એપ્રિલ બાદ કોરોનાથી રાહત મળવાની શરૂ થઈ જશે અને એક્ટિવ કેસ ઓછા થવા લાગશે. તેઓએ કહ્યું કે મેના અંત સુધીમાં સ્થિતિ સારી થવા લાગશે. પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે તમામ રાજ્યોમાં એક સામાન્ય સ્થિતિ જ જાેવા મળશે. જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ છે, ત્યાં પણ મેના અંત સુધી સ્થિતિ સામાન્ય થવા લાગશે.
હાલની લહેર અગાઉની લહેરથી એ રીતે અલગ છે કે રોજ નોંધાતા મોતના આંકડા આ વખતે સંક્રમણના દરની તુલનામાં ઓછા છે. વેક્સીન આવી ગયા બાદ લોકોએ બેદરકારી રાખી, જેના કારણે જ કોરોનાના આંકડામાં વધારો થયો છે. પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે, આ વખતે મોતના આંકડા ઓછા થવાથી થોડી રાહત ચોક્કસ મળી છે.
આ અગાઉ જ્યારે દેશમાં એક લાખ કોરોના કેસ થયા હતા ત્યારે મોતનો આંકડો એક હજારની નજીક પહોંચી ગયો હતો. આ વખતે બે લાખ કેસ થયા હોવા છતાંય મોતનો આંકડો એક હજાર સુધી જ પહોંચ્યો છે. મોડલ મુજબ સંક્રમણની પહોંચ છેલ્લા બે મહિનામાં ૩૦ ટકા સુધી વધી છે.