કોરોના વેકસીનના માનવીય પરીક્ષણ માટે ઝાયડસ કેડીલાને મંજૂરી
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાની મહામારીની વચ્ચે વિશ્વના જુદા- જુદા દેશો વેકસીન બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે કોરોનાનો એકમાત્ર ઈલાજ ‘વેકસીન’ હોવાથી વૈજ્ઞાનિકો- ડોકટર્સ- કંપનીઓએ માનવી પર કલીનીકલ ટ્રાયલ શરૂ કરી દીધા છે. વિશ્વ ગુરૂ બનવા તરફ આગળ વધી રહેલા ભારતમાં અનેક કંપનીઓ કામમાં લાગી ગઈ છે.
ગુજરાત અને ભારતની સૌથી મોટી કંપની ‘ઝાયડસ કેડીલા’એ કોરોનાની વેકસીન બનાવવા કમરકસી છે. કોરોનાની ભારતમાં એન્ટ્રી થઈ ત્યાર પછી જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ ત્યારે જ ઝાયડસ કેડીલાના કર્ણધારોએ કોરોના સામે વેકસીન બનાવવા મનોમન મક્ક નિર્ધાર કરી લીધો હતો
માનવીય અભિગમ ધરાવનાર ઝાયડસ કેડીલાના ડોકટર્સ- વૈજ્ઞાનિકો તનતોડ મહેનતમાં લાગી ગયા હતા. હવે ઝાયડસ કેડીલાએ ફેઝ-૧ અને ફેઝ-ર માં વેકસીનને માનવીય પરીક્ષણ માટેની મંજૂરી માંગી હતી તેનેડી.સી.જી.આઈ.એ મંજુરી આપી દીધી છે આ મંજુરી આપ્યા પછી ઝાયડસ કેડીલા તેની માનવીય પરીક્ષણ કરશે તબક્કાવાર તેનુ પરીક્ષણ કર્યા પછી સફળતા મળશે તો તે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખુશખબર હશે ગુજરાતની ટોચની ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસ કેડીલાને માનવ પરીક્ષણની મંજૂરી મળ્યા પછી તેણે તૈયાર કરેલ વેકસીનનું પરીક્ષણ કરાશે આ પરીક્ષણ કેટલુ સફળ થશે તેનો આગામી દિવસોમાં ખ્યાલ આવશે.