કોરોના વેક્સીનનો 100 કરોડમો ડોઝ લેનાર અરુણ રોય પીએમ મોદીના મત વિસ્તારના

નવી દિલ્હી, કોરોના સામેના જંગમાં દેશે નવો પડાવ પસાર કર્યો છે. કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝ આપવાની સિધ્ધિ ભારતે મેળવી છે. જે વ્યક્તિને 100 કરોડમો ડોઝ મળ્યો છે તે વ્યક્તિ પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીનો નાગરિક છે. આજે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં વેક્સીનનો 100 કરોડમો ડોઝ લગાવવામાં આવ્યો હતો અને આ ડોઝ અરુણ રોય નામના વ્યક્તિને મળ્યો છે. જોકે તેમને અફસોસ છે કે, પીએમ મોદી સાથે સેલ્ફી લેવા ના મળી.
અરુણ રોયનુ કહેવુ છે કે, જ્યારે હું દિલ્હી આવ્યો હતો ત્યારે દેશમાં 70 કરોડમો ડોઝ અપાયો હતો. મેં તે વખતે નક્કી કર્યુ હતુ કે, હું 100 કરોડમો ડોઝ લઈશ. આ માટે તેમના મિત્રે રજિસ્ટ્રેશન કરાવવા સૂચન કર્યુ હતુ. આજે તેમની મુલાકાત પીએમ મોદી સાથે પણ થઈ હતી.
પીએમ મોદીએ તેમને પૂછ્યુ હતુ કે, અત્યાર સુધી વેક્સીન કેમ નથી મુકાવી ત્યારે અરુણ રોયે કહ્યુ હતુ કે, વેક્સીનને લઈને મને ડર લાગતો હતો પણ જ્યારે 70 કરોડમો ડોઝ મુકાયો ત્યારે મેં પણ વેક્સીન લેવાનુ નક્કી કર્યુ હતુ.