કોરોના વેક્સીનમાં નાગરીકોએ જ પૂર્વ-પશ્ચિમની ભેદરેખા ઉભી કરી

પ્રતિકાત્મક
પશ્ચિમમાં ૯૦.૩૯ ટકા, પૂર્વમાં માત્ર ૭૦.૩૧ ટકા રસીકરણ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ શૂન્ય બરાબર થઈ ગયા છે. રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પાેરેશને કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા પૂરતી તૈયારી કરી છે. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વેક્સીન અસરકારક સાબિત થઈ છે.
અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગના નક્કર આયોજનના પરીણામે ૧૮થી વધુ વયના ૭૭ ટકા નાગરીકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. જેના કારણે હર્ડ ઇમ્યુનીટી ડેવલપ થઈ હોવાનું માનવામાં આવે છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં રેકર્ડબ્રેક ૯૭ ટકા વેક્સીનેશન થયું છે. જ્યારે પૂર્વ ઝોનની કામગીરી નબળી છે.
જ્યારે કોરોના વેક્સીન મામલે નાગરીકોએ પૂર્વ અને પશ્ચિમની ભેદ રેખા ઉભી કરી છે. પશ્ચિમ વિસ્તારમાં ૯૦ ટકા કરતાં વધુ વેક્સીનેશન થયું છે. જેની સામે પૂર્વ પટ્ટા પર માત્ર ૭૦ ટકા જ વેક્સીનેશન થયું છે. વેક્સીનના બંને ડોઝમાં પણ આટલો મોટો જ તફાવત જાેવા મળે છે.
અમદાવાદ શહેરમાં જાન્યુઆરી મહિનાથી ૬૦ કે તેથી વધુ વયના નાગરીકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. એપ્રિલ મહિનામાં ૪૫થી ૬૦ની વયના નાગરીકોને કોરોના વેક્સીન આપવાની શરૂઆત થઈ છે. જ્યારે ગુજરાત સ્થાપના દિવસથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરીકોને વેક્સીન આપવામાં આવી રહી છે.
આ દરમ્યાન આવેલી બીજી લહેરના કારણે વેક્સીન કામગીરીમાં અંતરાય આવ્યો હતો તેમ છતાં મ્યુનિ.આરોગ્ય ખાતાએ માત્ર ૨૪૦ દિવસમાં જ ૩૬ લાખ કરતા વધુ નાગરીકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપી ચિંતામુક્ત કર્યા છે. અમદાવાદ શહેરમાં ૧૮કે તેથી વધુ વયના કુલ ૪૬૩૮૪૩૨ નાગરીકો છે.
જે પૈકી ૧૪ સપ્ટેમ્બર સુધી ૩૬૧૬૯૭૫ નાગરીકોએ કોરોનાનો પ્રથમ ડોઝ લીધો છે. જેની ટકાવારી ૭૭.૯૮ થાય છે. જ્યારે ૧૫૫૬૨૨૧ નાગરીકોએ બંને ડોઝ લીધા છે. જે કુલ સંખ્યાના ૩૩.૩૫ ટકા થાય છે. પ્રથમ ડોઝ લીધો હોય તેવા ૪૩ ટકા નાગરીકોએ બીજાે ડોઝ પણ લીધો છે.
શહેરના સાત ઝોનમાં વેક્સીનેશનના પ્રથમ ડોઝના આંકડા પર દૃષ્ટિપાત કરીએ તો મધ્ય ઝોનમાં ૮૧.૨૧ ટકા, પૂર્વ ઝોનમાં ૫૯.૧૪ ટકા, ઉ.પ.ઝોનમાં ૯૭.૯૩ ટકા, ઉત્તર ઝોનમાં ૭૩.૭૫ ટકા, દ.પ.ઝોનમાં ૭૯ ટકા, દક્ષિણ ઝોનમાં ૭૩.૫૦ ટકા તેમજ પશ્ચિમ ઝોનમાં ૯૦.૦૯ ટકા નાગરીકોએ વેક્સીન લીધી છે. પૂર્વના વિસ્તારો કરતા પશ્ચિમમાં વેક્સીનેશનની સંખ્યા વધારે છે.
શસહેરના મધ્ય ઝોનમાં ૨૯.૩૧ ટકા, પૂર્વ ઝોનમાં ૨૨.૯૧ ટકા, ઉ.પ.ઝોનમાં ૫૦.૩૧ ટકા, ઉત્તર ઝોનમાં ૨૬.૮૪ ટકા, દ.પ.ઝોનમાં ૪૩.૯૦ ટકા તથા પશ્ચિમ ઝોનમાં ૪૩.૯૦ ટકા નાગરીકોએ બીજાે ડોઝ લીધો છે. આમ, બીજા ડોઝ માટે પણ પૂર્વ ઝોનની કામગીરી નબળી સાબિત થઈ છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ૧૮ કે તેથી વધુ વયના ૧૭૭૧૪૮૭ નાગરીકો છે. જે પૈકી ૧૬૦૧૨૨૨ નાગરીકો એ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. જેની ટકાવારી ૯૦.૩૯ થાય છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં ૧૮કે તેથી વધુ વયના ૨૮૬૬૯૪૫ નાગરીકો પૈકી ૨૦૧૭૭૫૩ નાગરીકોએ વેક્સીન લીધી છે. જેની ટકાવારી ૭૦૩૧ થાય છે.
તેવી જ રીતે બીજા ડોઝ પર દ્રષ્ટિપાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના કુલ નાગરીકો પૈકી ૮૧૫૭૩૨ લોકોએ વેક્સીનનો બંને ડોઝ લીધો છે. જેની ટકાવારી ૪૬ ટકા છે. જ્યારે પૂર્વ ઝોનમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૭૪૦૪૮૯ લોકોએ બંને ડોઝ લીધા છે. જેની ટકાવારી ૨૫.૮૨ થાય છે.