Western Times News

Gujarati News

કોરોના વેક્સીન માટે ખાનગી હોસ્પિટલોની મદદ લેવામાં આવશે

૧૦૦ કે તેથી વધુ બેડ ધરાવતી ૩૫ હોસ્પિટલનાં પ્રતિનિધિઓ સાથે મ્યુનિ.અધિકારીઓની ખાસ બેઠક યોજાઈઃ હોસ્પિટલ સ્ટાફની સ્થળ પર જ વેક્સીન મળે તેવી વ્યવસ્થા થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તેમજ વેક્સીન તૈયાર થઈ હોવાના કારણે તંત્રએ રાહતનો દમ લીધો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા વેક્સીનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ૧૦ ડીસેમ્બરથી ડોર ટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશનના સરવેમાં ૫૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ અને કો.મોર્બીડ દર્દીઓની વિગત એકત્રિત કરવામાં આવી રહી છે. પરંતુ નાગરીકો તરફથી વેક્સીન માટે પૂરતો સહકાર મળતો નથી. જેના કારણે મ્યુનિ.કોર્પાેરેશને ખાનગી હોસ્પિટલોની મદદ લેવા નિર્ણય કર્યાે છે. તથા વેક્સિન અંગે શહેરની ૩૫ જેટલી ખાનગી હોસ્પિટલોના પ્રતિનિધિઓ સાથે બુધવારે ખાસ મીટીંગ કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં ભાગ લેનાર કર્મચારીઓને પણ પ્રથમ તબક્કામાં આવરી લેવાશે. મ્યુનિ. કોર્પોરેશન ડોર ટુ ડોર સર્વેમાં માત્ર ૧૦ દિવસમાં જ અંદાજે ચાર લાખ લોકોએ વેકસિન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં પ૦ વર્ષથી ઉપરના ૩ લાખ ૮પ હજાર જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ૪૮ વોર્ડ મુજબ વેક્સીન સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશનના વોર્ડ દીઠ તૈયાર કરવામાં આવેલી મતદારયાદી અને મતદાન મથકને ડેટાબેઝ બનાવીને ડોરટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે. જેના માટે આંગણવાડી આશાવર્કરો, મ્યુનિ.શાળાના શિક્ષકો પેરામેડીકલ સ્ટાફ વગેરેને સરવે કામગીરીમાં સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશનની ટીમ દ્વારા જે તે વ્યક્તિના આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડના આધારે ફોર્મ ભરવામાં આવી રહયા છે. સરવેના પ્રથમ તબક્કામાં ૫૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિએ તેમજ ગંભીર રોગના દર્દીઓને આવરી લેવામાં આવી રહયા છે સાથે સાથે પ૦ વર્ષથી નાના પણ ગંભીર બીમારી ધરાવતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા થઈ રહેલ સર્વેમાં ૫૦વર્ષ કે તેથી વધુ વયનાં લગભગ ૮ લાખ લોકોનાં રજીસ્ટ્રેશન થયાં છે. તેમ છતાં નાગરીકોનાં મનમાં વેક્સીન માટે એક પ્રકારનો ડર છે. જે દૂર કરવા માટે રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પાેરેશન ઘરે ઘરે સર્વેની સાથે નાગરીકોને સમજાવી રહ્યાં છે. હવે આ અભિયાનમાં ખાનગી હોસ્પિટલોની પણ મદદ લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યાં મુજબ જે રીતે કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.ક્વોટાના બેડ રાખવામાં આવ્યાં છે. તે રીતે જ વેક્સીનેશન માટે પણ ખાનગી હોસ્પિટલો દ્વારા જનજાગૃતિ અભિયાન કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

તેમજ વેક્સીનેશન માટે પીપીપી ધોરણ અપનાવવામાં આવી શકે છે. મ્યુનિ. ડેપ્યુટી. કમિશનર (હેલ્થ), મેડીકલ ઓફીસર તમામ ઝોનનાં ડેપ્યુટી. હેલ્થ ઓફીસરોની ઉપસ્થિતિમાં શહેરની ૩૫ હોસ્પિટલો સાથે મીટીંગ કરવામાં આવી હતી. જે હોસ્પિટલોની બેડ ક્ષમતા ૧૦૦ કે તેથી વધુ છે તેવી હોસ્પિટલનાં પ્રતિનિધિઓ સાથે વેક્સીનેશન માટે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તમામ હોસ્પિટલોનાં સ્ટાફનાં રજીસ્ટ્રેશન થઈ જાય તે માટે પણ ખાસ તાકીદ કરવામાં આવી હતી. શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલનાં સ્ટાફની તેમના કાર્યસ્થળ પર વેક્સીન આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. કોરોના વેક્સીન અંગે નાગરીકોનાં મનમાં જે ખોટો ડર આવી ગયો છે. તેને દૂર કરવા માટે તમામ હોસ્પિટલ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ શરૂ થઈ શકે છે.

મ્યુનિ.આરોગ્યખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ ઓનલાઈન ડેટા તૈયાર કરવામાં આવશે. વેક્સીનના પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર બીજા તબક્કામાં કોરોના ફ્રન્ટલાઈન વર્કર, મ્યુનિસિપલ કોર્પાેરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સફાઈકર્મીઓને આવરી લેવામાં આવશે. જયારે ત્રીજા તબક્કામાં પ૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. એક અંદાજ મુજબ શહેરની કુલ વસ્તીનાં લગભગ ૧૪ ટકા નાગરીકોની ઉંમર ૫૦ વર્ષ કે તેથી વધુ છે. જેમનાં લગભગ ૮૦ ટકા લોકોનાં રજીસ્ટ્રેશન થઈ ગયાં છે. જે લોકોનાં રજીસ્ટ્રેશન થયાં છે. તેમને જ વેકસિન આપવામાં આવશે. જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યા ન હોય તે લોકોને વેક્સીન લેવામાં તકલીફ થઈ શકે છે.

શહેરની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં ફરજ બજાવતાં પ૧ હજાર હેલ્થ વર્કસ તથા ૫૦ હજાર ફ્રન્ટલાઈન વર્કરની નોંધણી કરવામાં આવી છે. તેમજ તેમને પ્રથમ તબક્કામાં વેક્સીન આપવામાં આવશે. વેકસિન સર્વે માટે બે હજાર ટીમો બનાવવામાં આવી છે જેમાં મ્યુનિ. શાળાના ૬૦૦ શિક્ષકો,૭૦૦ હેલ્થ વર્કર અને ૬૦૦ આશા વર્કર મળી કુલ ર હજાર લોકો કામ કરી રહયા છે. આ તમામની સાથે એક-એક આશા વર્કર અલગથી કામગીરી કરશે. રાજય સરકારની સુચના બાદ શહેરમાં વેકસિનની કામગીરી શરૂ થશે જેમાં એક અર્બન હેલ્થ સેન્ટર દીઠ ત્રણ બુથ તૈયાર કરવામાં આવશે. દરેક શાળા દીઠ રોજ ૧૦૦ વ્યક્તિને વેકસિન આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત ૭૬ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સીન સ્ટોરેજ માટે ૧૦૦ જેટલા આઈસ લાઈન્ડ ફ્રીજ મૂકવામાં આવશે. જેમાં માઈનસ ૨૦ ડીગ્રી તાપમાન જાળવી શકાય તેવી સુવિધા રહેશે. વેક્સીન સ્ટોરેજ માટે વધુ ફ્રીજની જરૂરીયાત ઉભી થશે તો સરકાર પાસેથી ૨૦ જેટલા ફ્રીજ મંગાવવામાં આવશે. તદુપરાંત ખાનગી એજન્સીઓની પણ વેક્સીન સ્ટોરેજ માટે મદદ લેવામાં આવી શકે છે. શહેરના કુલ સાત સ્થળે વેક્સીન સ્ટોરેજ કરવામાં આવશે. મ્યુનિ.આરોગ્ય ભવન ખાતે પણ પાંચ આઈએલઆર મૂકવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વેક્સીન માટે તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફેબ્રુઆરી માસના અંતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી ચૂંટણી પ્રક્રિયા સાથે જાેડાયેલા તમામ કર્મચારીઓને જાન્યુઆરી મહિનામાં જ રસી આપવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર ૨૦ હજાર જેટલા કર્મચારીઓને રસી આપવા માટે સરકારે સહમતી દર્શાવી છે. જેમાં પોલિંગ સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારીઓ, બીએસઓ, રીટનીંગ ઓફીસર, ઈલેક્શન ઓફીસર, પોલીસ અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.