કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદાયા હતા
રાજયમાં કોરોના વોરીયર્સના જીવન સાથે ચેડા : ગુજરાત મેડીકલ કોર્પોરેશને ખરીદેલ સેનીટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ નહિવત્
(પ્રતિનિધિ) અમદાવાદ: “પાડાના વાંકે, પખાલીને ડામ” આ કહેવાત આપણે ત્યાં કહેવાય છે. મતલબ એ કે ‘કરે કોઈ ભરે કોઈ’ સરકારી હોસ્પિટલમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓની સારવારમાં સતત કાર્યરત “કોરોના વોરીયર્સ” ડોકટરો, નર્સ તથા પેરામેડીકલ સભ્યો સહિત સૌ કોઈ કર્મચારીઓ માટે કોરોનાથી સંક્રમિત થતા અટકાવવા હેન્ડસેનેટાઈઝર તથા હેન્ડવોસની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. પરંતુ આ હેન્ડસેનીટાઈઝર હલકી ગુણવત્તાવાળા હોવાનું કૌભાંડ બહાર આવ્યુ છે
ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ ર૧ સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.
કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે કંપનીઓના ૧૩ સેમ્પલ નિષ્ફળ સાબિત થયા હતા. ગુજરાત મેડીકલ કોર્પોરેશનની બેદરકારીના કારણે અનેક કોરોના વોરીયર્સ સામે ખતરો ઉભો થવાની શક્યતા વધી જાય તેમ છે. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા મેડીકલ- પેરામેડીકલ બે કંપનીઓના સેનેટાઈઝરનો વપરાશ કરતા હતા હવે તેમાં આલ્કોહોલનું પ્રમાણ નહિવત હોવાનું કહેવાય છે.
આલ્કોહોલનું પ્રમાણ માપદંડ પ્રમાણેનું નહી હોવાથી હલકી ગુણવત્તાવાળુ સેનેટાઈઝર અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવતુ હતુ. હવે ગુજરાત મેડીકલ કોર્પોરેશન શંકાના દાયરામાં આવી ગયુ છે. ગુજરાત ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કંપનીઓના હેન્ડ સેનીટાઈઝર અને હેન્ડવોસના સેમ્પલ લઈ ચકાસણી માટે કાર્યવાહી શરૂ કરી હતી.
ચિંતાજનક બાબત એ છે કે કોરોનાના કપરાકાળમાં આ સેનેટાઈઝરનો રિપોર્ટ ત્રણ મહિને આવ્યો છે અને તેમાં આ સેમ્પલ નિષ્ફળ જતા ત્રણ મહિના સુધી કોરોના વોરિયર્સે તેનો ઉપયોગ કર્યો છે જેના પરિણામે હવે કોરોના વોરિયર્સમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ગુજરાત મેડીકલ કોર્પોરેશન તાકીદે આ મુદ્દે કાર્યવાહી નહી કરે તો આગામી દિવસોમાં વધુ કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
રાજયમાં હાલ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહયા છે પરંતુ તબીબો અને પેરામેડિકલ સ્ટાફ આ તમામ દર્દીઓની પુરતી સારવાર અને તકેદારી રાખી રહયા છે. કોરોના વોરિયર્સ માટે જરૂરી ચીજવસ્તુઓ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે પરંતુ આ ચીજવસ્તુઓની હવે યોગ્ય ચકાસણી કરી તાત્કાલિક તેનો રિપોર્ટ આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની સરકારે તજવીજ શરૂ કરવી જાેઈએ તેવી લાગણી જાેવા મળી રહી છે.
ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થતાં રાજય સરકાર તથા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે સરકારી તથા કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોરોનાના દર્દીઓની રાત દિવસ સારવાર કરવામાં આવી રહી છે.
આ તમામ હોસ્પિટલોમાં કોરોના વોરિયર્સ જીવના જાેખમે ફરજ બજાવી રહયા છે. કોરોનાની ઝપેટમાં કોરોના વોરિયર્સ પણ આવી રહયા છે જે ચિંતાજનક બાબત છે પરંતુ રાજય સરકાર દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. હાલમાં હેન્ડ સેનેટાઈઝર અને હેન્ડ વોશના મામલે આજે સવારથી જ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.
જેના પગલે સરકારી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર એક કંપનીના હેન્ડ સેનેટાઈઝરની વિગતો મુકવામાં આવી છે અને તેમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ નહીવત હોવાનું જણાવાયું છે જેથી આ હેન્ડ સેનેટાઈઝર ઉપયોગમાં લઈ શકાય નહી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ હેન્ડ સેનેટાઈઝર કોરોના વોરિયર્સ માટે ઉપયોગમાં લેવાતા હતાં.
ગુજરાતમાં હાલ અનેક કંપનીઓના સેનેટાઈઝર તથા હેન્ડવોસ બજારમાં વેચાઈ રહયા છે જેમાં જાણીતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. રાજય સરકાર દ્વારા તાત્કાલિક કોરોના વોરિયર્સ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી જાેઈએ અને જાણીતી કંપનીઓના હેન્ડ સેનેટાઈઝર અને હેન્ડવોશ કોરોના વોરિયર્સને આપવા જાેઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. હલકી ગુણવત્તાના સેનેટાઈઝર તથા હેન્ડવોશનો ઉપયોગ કરવાથી કોરોના વોરિયર્સ સંક્રમિત થવાની સંભાવના વધી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં હવે ગુજરાત સરકાર વધુ સતર્ક બને તેવુ લાગી રહયુ છે.
ગુજરાતમાં હજુ પણ સુરત સહિતના શહેરોમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે અને અનેક કોરોના વોરિયર્સ સેવા બજાવી રહયા છે આ પરિસ્થિતિમાં તેઓની સલામતી માટે ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવનાર છે જાેકે કોરોના વોરિયર્સ સંક્રમિત થાય તો તેમની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પરંતુ પ્રાથમિક જરૂરિયાતો વધુ અસરકારક બનાવવાની તાકિદે જરૂરિયાત ઉભી થઈ છે. બે કંપનીઓના હેન્ડ સેનેટાઈઝર તથા હેન્ડવોસના નમૂના નિષ્ફળ જતાં હવે ગુજરાત મેડીકલ કોર્પોરેશન દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તેના પર તમામની નજર છે.