કોરોના સંક્રમિત મહિલાને ખાનગી હોસ્પિટલો તરફ નિરાશા મળતા સરકારી કોવિડ કેર સેન્ટર દ્વારા સફળ પ્રસૂતિ કરાઈ
ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી કોવિડ-૧૯ સેન્ટર તથા જનરલ હોસ્પિટલની માનવતાપૂર્ણ પ્રસંશનીય કામગીરી
નવજાત બાળકી કોવિડ નેગેટિવ આવતા પરિવારને સુપ્રત કરાઈ: માતા-પુત્રી બન્ને સ્વસ્થ
ખંભાત શહેરના કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી સંચાલિત કોવિડ-૧૯ સેન્ટર ખાતે સારવાર લઈ રહેલી સગર્ભાનું તાત્કાલિક ઓપરેશન કરી પ્રસૂતિ કરાવવાની જરૂરિયાત ઊભી થતા કોઈ ખાનગી હોસ્પિટલ તૈયાર થઈ નહોતી. પરિણામે, સરકારી જનરલ હોસ્પિટલ ખાતે તેની પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને તેણે કોવિડમુક્ત બાળકીને જન્મ આપ્યો હતો.
ખંભાતના ઋણમુક્તેશ્વર મહાદેવ પાસે રહેતાં ૨૬ વર્ષીય સગર્ભા ભાવિકાબેન ઉમેશભાઈ પ્રજાપતિને કોવિડ પોઝિટિવ આવતાં ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટીના સરકારી કોવિડ-૧૯ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પ્રસૂતિના અંતિમ દિવસ હોઈ તેમને તાત્કાલિક ઓપરેશન કરાવવાની આવશ્યકતા પડી હતી, પરંતુ ખંભાત શહેરના અન્ય ખાનગી ગાયનેક દવાખાના દ્વારા કોવિડ પોઝિટિવ મહિલાનું ઓપરેશન કરવા તૈયાર ન થતા સરકારી જનરલ હોસ્પિટલના સેક્રેટરી શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય, ગાયનેક ડૉ. નિધિબેન પટેલ તેમજ કોવિડ આર.એમ.ઓ. ડૉ. સતીષભાઈ પટેલ દ્વારા પૂરતી તૈયારીઓ અને આયોજન કરી ભવિકાબેનનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો.
સદનસીબે, બાળકીનો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવતાં તેને પરિવારજનોને સુપ્રત કરવામાં આવી હતી અને ભાવિકાબેનને પુનઃ કોવિડ સેન્ટર ખાતે આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યાં હતાં. હાલ માતા અને પુત્રી બંનેની તબિયત સ્વસ્થ છે.
આમ, જરૂરિયાતના સમયે કેમ્બે હોસ્પિટલ તેમજ જનરલ હોસ્પિટલ દ્વારા સગર્ભાની સારવાર કરી એક મધ્યમ વર્ગના પરિવાર માટે મદદરૂપ થઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.