કોરોનામાં રાહત દરે સેવા આપવા માટે GCS હોસ્પિટલને ડબલ હેલિકલ દ્વારા એવોર્ડ એનાયત
ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને કોવિડ દરમિયાન અને તે પછી પણ રાહતદરે અને ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ડબલ હેલિકલ અગ્રણી નેશનલ હેલ્થ મેગેઝિન દ્વારા આપવામાં આવ્યો હતો, જે એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ (ઈન્ડિયા) અને કોન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હોસ્પિટલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સમર્થિત છે.
2જી મેના રોજ દિલ્હી ખાતે આયોજિત”ડબલ હેલિકલ હેલ્થ કોન્ક્લેવ અને નેશનલ એવોર્ડ્સ 2021″ એવોર્ડ સમારંભમાં જીસીએસ હોસ્પિટલ વતી ડો. કીર્તિભાઇ પટેલ (ડિરેક્ટર – જીસીએસ હોસ્પિટલ ) અને ડો. યોગેન્દ્ર મોદી (ડીન – જીસીએસ મેડિકલ કોલેજ) એ એવોર્ડ સ્વીકાર્યો હતો. ડો. કીર્તિભાઇ પટેલએ એવોર્ડ સ્વીકારતા કહ્યું કે, “આ એવોર્ડ આપવા બદલ અમે ડબલ હેલિકલ ના આભારી છીએ. આ એવાર્ડ કોરોનાના મુશ્કેલ સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓની ચોવીસ કલાક સેવા કરીને અમારી જીસીએસ ટીમ દ્વારા કરવામાં આવેલી સખત મહેનતની સાચી સરાહના છે”.
જીસીએસ હોસ્પિટલ કોવીડ મહામારીની શરુઆતથી જ કોરોના સામેની લડાઈમાં મોખરે હતી. જીસીએસ હોસ્પિટલમાં 7000+ કોરોના દર્દીઓની સફળતાપૂર્વક રાહતદરે સારવાર કરવામાં આવી છે, જે ખાનગી ટ્રસ્ટ હોસ્પિટલ માટે એક ગર્વની વાત છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલમાં બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમિત રીતે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.