કોરોના સાથે જીવન: સ્પેન, આયર્લેન્ડ, ડેન્માર્ક સહિતના યુરોપીયન દેશોએ પ્રતિબંધો કર્યા દૂર
નવીદિલ્હી, દુનિયાભરમાં વિશેષરૂપે અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયમાં યુરોપીયન દેશોએ કોરોનાની સાથે જ જીવવાનું અને હવે કોરોનાને એક મહામારીના બદલે સામાન્ય ફ્લુ (એક પ્રકારની શરદી) માનીને આગળ વધવાનો ર્નિણય કર્યો છે.
સ્પેની સરકારે કોરોનાને એક સામાન્ય ફ્લુ માની લીધો છે અને લોકોને તેની સાથે જીવવાની અપીલ કરી છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે લોકો માટે માત્ર માસ્ક જ નહીં, રસીની અનિવાર્યતા પણ હટાવી દીધી છે. યુરોપના અન્ય દેશો પણ સ્પેનને અનુસરી રહ્યા છે. ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ મળ્યો હતો તે દક્ષિણ આફ્રિકાએ પણ કોરોના સંબંધિત નિયંત્રણો દૂર કરી દીધા છે. દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટે યુરોપની સ્વાસ્થ્ય સુવિધાઓને ખુલ્લી પાડી દીધી છે.
દુનિયામાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે એવામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે મહામારીકાળમાં મૂકવામાં આવેલા બધા જ પ્રતિબંધો હટાવીને દેશમાં સામાન્ય જનજીવન પાછું લાવવાનો ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે હવે લોકોને કોરોના સાથે જીવવાનું અનુકૂળ બનાવવા પર ધ્યાન આપ્યું છે.
અને મહામારીના ખતમ થવાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. સ્પેનની જેમ અન્ય યુરોપીયન દેશો પણ કોરોના સંબંધિત પ્રતિબંધો દૂર કરી રહ્યા છે. યુરોપીયન સરકારોની વ્યૂહરચનામાં એક નવી ક્રાંતિ આવી રહી છે. બ્રિટિશ શિક્ષણ મંત્રી નધિમ ઝહાવીએ જણાવ્યું કે, બ્રિટન હવે પેન્ડેમિકમાંથી એન્ડેમિક તરફ આગળ વધી રહ્યું છે.
સ્પેનમાં ઓમિક્રોનના કેસ વિક્રમી સ્તરે વધવા છતાં હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુદરમાં ઘટાડો આવતા સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, યુરોપ હવે મહામારીના પ્રતિબંધોથી આગળ વધીને સામાન્ય જીવન જીવવા તરફ આગળ વધી રહ્યું છે. સ્પેન પછી આયર્લેન્ડમાં પણ કેસ વધવા છતાં સ્વૈચ્છિક રસીકરણ સિસ્ટમ બનાવાઈ રહી છે.HS