કોરોના સામેની જંગમાં જીવ ગુમાવનાર ડો.જોગિંદર ચૌધરીના પરિવારને કેજરીવાલે ૧ કરોડનો ચેક આપ્યો

નવીદિલ્હી, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે, ડોક્ટર્સ પોતાના જીવની પરવાહ કર્યા વિના દિવસ રાત લોકોની સારવાર કરી રહ્યા છે. પોતાના કર્તવ્યનું પાલન કરતાં કેટલાય ડોક્ટર્સે પોતાનો જીવ ગુમાવી દીધો છે. હાલમાં જ દિલ્હીના ડો. જોગિંદર ચૌધરીએ કોરોના સંક્રમિતોનો ઈલાજ કરતી વખતે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે તેમના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને એક કરોડનો ચેક આપી આર્થિક સહાયતા કરી.. આ દરમિયાન સીએમ કેજરીવાલે ભવિષ્યમાં પણ પરિવારની દરેક સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો છે.
દિલ્હીના ડો. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં તહેનાત યોદ્ધા ડો. જોગિંદર ચૌધરીનુ હાલમાં જ કોવિડ ૧૯ના સંક્રમણથી મોત થયું હતું. સીએમ કેજરીવાલે ટ્વીટ કરી જાણકારી આપી હતી દિલ્હી સરકારના હોસ્પિટલમાં તહેનાત અમારા કોરોના યોદ્ધા ડો જોગિંદર ચૌધરીએ પોતાના જીવની બાજી લગાવી દર્દીઓની સેવા કરી. ડો જોગિંદર ચૌધરીને ૨૩ જૂનના રોજ તાવ આવ્યો અને કોરોના તપાસ બાદ ૨૭ જૂને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોના સંક્રમણને પગલે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, એક મહિના મહામારી સામે લડ્યા બાદ ૨૭ જુલાઈની રાતે તેમણે ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.સોમવારે સીએમ અરવિંદ કેજરીવાલે ડો જોગિંદર ચૌધરીના પરિજનોને મળી તેમને એક કરોડની સહાયતા રાશિ આપી છે. આ અંગે જાણકારી આપતા સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં લખ્યું, ‘દિલ્હીસરકારના હોસ્પિટલમાં તહેનાત અમારા કોરોના વોરિયર ડો જોગિંદર ચૌધરી જીએ પોતાના જીવની બાજી લગાવી દર્દીઓની સેવા કરી. હાલમાં જ કોરોના સંક્રમણથી ડો ચૌધરીનું નિધન થઈ ગયું હતું, આજે તેમના પરિજનોને મળી ૧ કરોડની સહાયતા રાશિ આપી. ભવિષ્યમાં પણ પરિવારની સંભવ પ્રત્યેક મદદ કરશું.’