કોરોના સામેનો સંઘર્ષ ડરવાથી જીતી નહીં શકાય, ખોટો ડર, ખોટી અફવાથી ગેરમાર્ગે દોરવાશો નહીં- મુખ્યમંત્રી
- ગુજરાતની જનતાને ભરોસો આપવા માંગુ છું કે, સરકારે તમામ આવશ્યક પગલાં સાર્વત્રિક રીતે લીધાં છે
- નિષ્ણાંતો સાથે પરામર્શ અને ભારત સરકારની ગાઇડલાઇનને અનુરૂપ પગલાઓ લઇ જનતાનો આત્મવિશ્વાસ જળવાઇ રહે તેવી કામગીરી સરકારે કરી છે
- સાડા છ કરોડ ગુજરાતીઓ જ અમારા ઇષ્ટદેવ
- ગુજરાતની પ્રજાને કોરોનાથી બચાવવી એ જ સરકારનું લક્ષ્ય
- કોઇપણ પ્રકારનો જ્ઞાતિ-જાતિ ભેદ આ રોગ સામેની લડાઇમાં હોઇ ન શકે, ગુજરાત અને ગુજરાતીઓ સાંગોપાંગ પાર ઉતરે એ જ આપણું લક્ષ્ય
- રાજ્યના કુલ કેસ પૈકીના ૮૦ ટકા કેસ ચાર મહાનગરોમાં છે એટલે ત્યાં લોકડાઉન હળવું નહીં કરવાનો પ્રજાલક્ષી નિર્ણય અમે કર્યો છે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોનાની મહામારી સામે રાજ્ય સરકાર અત્યંત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહી છે ત્યારે તમેણે રાજ્યની જનતાને અપીલ કરી છે કે, કોઇપણ પ્રકારની અફવા કે ગેરસમજથી દૂર રહે.
મુખ્યમંત્રીશ્રીએ આજે સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકો-પ્રજાજનોને સંબોધન કરતાં કોરોના મહામારી અને લોકડાઉનના સંદર્ભમાં જે પ્રશ્નો જનમાનસમાં ઉઠે છે તેની સવિસ્તર છણાવટ કરી રાજ્ય સરકારનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે, સમગ્ર દેશમાં ૩જી મે સુધી લોકડાઉનનો અમલ છે ત્યારે ગુજરાતમાં આ લોકડાઉન ખોલવા અથવા હળવું કરવા રાજ્ય સરકાર કેમ ઉતાવળ કરે છે ? આ પ્રશ્નનો જવાબ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ચિંતા જેને હૈયે છે તેના મનમાં આવો પ્રશ્ન ઉઠવો સાહજિક છે. પરંતુ રાજ્ય સરકાર લોકડાઉન ઉઠાવવા માંગતી નથી પરંતુ રોજે રોજનું કમાઇને ખાનારા લોકો છેલ્લા સવા મહિનાથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમની ચિંતા કરવી એ પણ રાજ્ય સરકારની ફરજ છે. રાજ્યમાં કોરોનાનો વ્યાપ ન વધે એ માટે પણ રાજ્ય સરકારની જવાબદારી છે. ગુજરાતના ડી.એન.એ.માં વેપાર વણાયેલો છે ત્યારે સવા મહિના સુધી ધંધા-રોજગાર બંધ હોય તે પરવડે નહીં. કેન્દ્ર સરકારે ૨૪ કલાક પહેલા જાહેરનામુ બહાર પાડીને દેશમાં નાના-નાના વેપારીઓ વેપાર કરી શકશે તેવું જણાવ્યું હતું. ગુજરાત સરકારે પણ ગુજરાતમાં આ પ્રકારનો અમલ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ રાજ્યમાં અનેક વેપારીઓના ગઇકાલથી ફોન આવવા માંડ્યા હતા કે, ‘‘ ગુજરાત કોરોનાનું ખૂબ સરસ રીતે નિયંત્રણ કરી રહ્યું છે ત્યારે હવે લોકડાઉન પૂરૂ થવાનું માત્ર ૬ દિવસ જેટલો સમયગાળો બાકી છે તો લોકડાઉનનો અમલ ચાલુ રાખવો જોઇએ. ’’ કેન્દ્ર સરકારે પણ એવો નિર્ણય લીધો છે કે, જે તે રાજ્યની રાજ્ય સરકાર પોતાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇને નિર્ણય લઇ શકે છે જાહેરનામાને હળવું નહી કરી શકે પરંતુ તેમાં અપાયેલી છૂટછાટને અનુલક્ષીને થોડી હળવાશમાં વધારો ઘટાડો કરી શકવાનો રાજ્ય સરકારને અધિકારી રહેશે. એટલા માટે આપણે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોમાં રાજ્યના કુલ પૈકી ૮૦ ટકા કેસ છે ત્યારે આ ચાર મહાનગરમાં લોકડાઉન હળવું નહીં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ ચાર મહાનગર સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે જ્યારે આ ચાર મહાનગરોમાં હજી ૬ દિવસ પછી યોગ્ય નિર્ણય કરીશું.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, કેટલાક લોકો એવી શંકા કરે છે કે, રમજાન માસમાં મુસ્લિમ બિરાદરોને અનુકૂળતા થાય તે માટે રાજ્ય સરકાર લોકડાઉનને હળવુ બનાવવાનો નિર્ણય કરી રહી છે. આ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આવા પ્રશ્નો ઉભા કરીને કેટલાક લોકો કોરોના સામેની લડાઇને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મુખ્યમંત્રીશ્રીએ એવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી કે, આવા તત્વો સફળ નથી થવાના, કોરોનાથી ગુજરાતની સાડા ૬ કરોડ પ્રજાને બચાવી તે જ અમારૂ અગ્રીમ લક્ષ્ય છે. હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ જેવો કોઇપણ પ્રકારનો ભેદ આ રોગની લડાઇમાં છે નહીં અને હોઇ પણ શકે નહીં. સાડા છ કરોડ ગુજરાતીઓ આમાંથી સાંગોપાંગ બહાર નીકળે તે જ અમારું લક્ષ્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ જ અમારા ઇષ્ટ દેવ છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે છૂટ આપી છે તેમાં ક્લસ્ટર કન્ટેઇન્ટમેન્ટમાં છૂટ આપવાની વાત જ નથી. રાજ્યમાં જ્યાં વધારે પોઝીટીવ કેસ છે એવા ક્લસ્ટર કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારોમાં મોટા ભાગે મુસ્લિમ વિસ્તારો છે. આવા વિસ્તારો તો આમ પણ ખોલવાના ન હતા જ અને આ ચારેય મહાનગરોમાં સંપૂર્ણ લોકડાઉન ચાલુ રાખ્યું છે એટલે કોઇપણ દુકાનો ખુલી શકશે નહીં તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. એટલે આવી વાતો કરનારા લોકોની માનસિકતા પર મને દયા આવે છે. આખી માનવજાત પર આવી આફત આવી છે ત્યારે આવી તર્ક વગરની વાતો કરીને રાજકારણ રમવાનું કેટલાક લોકો ચૂકતા નથી તે અફસોસજનક છે.
‘‘ ગુજરાતમાં મુત્યુદર વધારે છે ?, રીકવરી કેમ ઓછી છે ? ’’ આવા પ્રશ્નો કરનારાઓને ઉદ્દેશીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના રોગને આપણે સૌએ બરોબર સમજવો પડશે. કોરોના શંકાસ્પદ હોય તેવા લોકોનો આપણે ટેસ્ટ કરીએ છીએ અને પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ. એટલું જ નહીં પરંતુ તેના સંપર્કમાં આવેલા સૈાને આપણે કોરોન્ટાઇન કરીએ છીએ. કોરોના પોઝીટીવ દર્દીનો હોસ્પિટલમાં ૧૪-૧૫ દિવસની સારવારનો પ્રોટોકોલ છે. હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીનો ૧૫ દિવસ દરમિયાન બે વખત ટેસ્ટ કરાય છે અને તે નેગેટીવ આવે તો દર્દીને રજા આપવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગઇકાલ સુધી ૨૮૨ લોકોને રજા આપવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, રાજ્યમાં અંદાજે ૨૮૦૦ દર્દીઓ પૈકી ૨૮૨ દર્દીઓને રજા અપાઇ. આ રજા મેળવેલા દર્દીઓ ૧૧મી એપ્રિલે દાખલ થયા હોઇ શકેઅને એ દિવસોના આંકડા જોઇએ તો રાજ્યમાં ૪૬૮ દર્દીઓ પોઝીટીવ હતા તેનો સીધો અર્થ એ છે કે ૬૦ ટકા દર્દીઓ રિકવર થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૬ અપ્રિલે કફર્યુ નંખાયો. મોટા પ્રમાણમાં સર્વેલન્સ અને ટેસ્ટીંગ પણ કર્યા. તો ૧૬ થી ૨૨ એપ્રિલ સુધીમાં ૧૬૪૧ દર્દીઓ મળ્યા. આ ૧૬૪૧ દર્દીઓ ૧૫ દિવસ પછી સાજા થઇને ઘરે જશે. એનો અર્થ એવો થયો કે, ૩જી મેની આસપાસ આ દર્દીઓ રિકવર થઇને જાય તો તે વખતે રિકવરીનો રેશિયો જ્યારે દાખલ થયા એ વખતના આંકડાઓ સામે કાઢવો જોઇએ. ગુજરાતમાં રિકવરી ખુબ સારી રીતે થઇ રહી છે અને ખરા અર્થમાં રિકવરીનો રેશિયો લગભગ ૬૦ ટકા જેટલો છે એમ તેમણે ઉમેર્યું હતું.
મૃત્યુદર અંગે ઉઠાવાતા પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પારદર્શક રીતે કામ કરી રહી છે અને સરકારે કશું છુપાવવાનું કે કોઇ આંકડા છુપાવતા નથી. રાજ્યની હોસ્પિટલમાં ગંભીર બિમારી સાથે આવતા દર્દીઓની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ થાય છે. કેન્સર, બ્રેઇન ટ્યુમર, હાઇ ડાયાબિટીસ જેવા અન્ય રોગોથી પીડાતા દર્દીઓ હોસ્પિટલોમાં આવતા હોય છે. ગઇકાલ સુધીમાં થયેલા ૧૩૩ મૃત્યુમાં ૮૦ ટકા લોકો અન્ય ગંભીર બિમારીથી પીડતા હતા. આવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે ત્યારે તેમને કોરોના થવાની સંભાવના વધી જાય છે. એટલે જ લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયાસો પર પણ રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો કે રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે, એક પણ વ્યક્તિનું મૃત્યુન થાય તે માટે જરૂરી તેવી તમામ અદ્યતન પ્રકારની સેવાઓ દર્દીઓને અપાય છે. તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને હું ભરોસો આપવા માંગું છું કે, ગુજરાત સરકારે તમામ આવશ્યક પગલાં સાર્વત્રિક રીતે લીધા છે. નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને ભારત સરકારની ગાઇડ લાઇનને અનુરૂપ તમામ પગલાં લઇને રાજ્યના લોકોનો આત્મવિશ્વાસ જળવાઇ રહે તે પ્રકારની કામગીરી હાથ ધરાઇ છે. કોરોના સામેનો સંઘર્ષ એ ડરવાથી જીતી નહીં શકાય તેવો સંદેશો આપતા મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી કે, ખોટો ડર રાખવાની જરૂર નથી કે ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. સાથે સાથે માસ્ક પહેરવું, સમયાંતરે હાથ ધોવા, સેનીટાઇઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવા રક્ષાત્મક પગલાં લેવા એ જરૂરી છે. લોકડાઉન ખોલ્યા પછી પણ આપણે આ રક્ષાત્મક પગલાંઓને ચાલુ રાખવા પડશે. સંક્રમણને ખાળવા માટે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું એવી રાજ્યના સૌ નાગરિકો પાસે હું અપેક્ષા રાખું છું અને આપણે સૈા સામુહિક તાકાતથી આ કોરોનાને ખાળી શકીશું એમ તેમણે કહ્યું હતું.