કોરોના સામે જંગમાં ૪ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે : સીરમ
નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટા વેક્સીન નિર્માતાઓમાંથી એક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ દાવો કર્યો છે કે, કોરોના સામે જંગમાં વધુ ૪ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટે જ કોવિશિલ્ડને તૈયાર કરી છે. જેનો ઉપોયગ ભારતમાં શરૂ થઈ ગયો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે, તમામ વેક્સીનના ટ્રાયલનું કામ ચાલી રહ્યું છે અને આશા છે કે, ટુંક સમયમાં જ તેને પૂર્ણ કરવામાં આવશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવના જણાવ્યા મુજબ, નોવલ કોરોના વાયરસ સામે કોવિશિલ્ડ ઉપરાંત વધુ ચાર રસીઓ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.
જાધવે એક વેબિનાર દરમિયાન જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ નોવલ કોરોના વાયરસ સામે કુલ ૫ વેક્સીન પર કામ કરી રહ્યું છે. જેમાં કોવિશિલ્ડ સામેલ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારત અને અન્ય દેશો માટે તેની સંભવિત કોવિડ-૧૯ વેક્સીન બનાવવા માટે નોવાવેક્સ ઇન્ક સાથે ભાગીદારી કરી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ટ્રાયલ પૂર્ણ કર્યા વગર ઉપયોગ કરવા પર સવાલ પણ ઉઠી રહ્યાં છે પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે, આવું કોઈ પ્રથમ વખત થઈ રહ્યું નથી. આફ્રિકામાં ૪ વર્ષ પહેલા ઈબોલાનો પ્રકોપ જ્યારે જાેવા મળ્યો હતો, ત્યારે કેનેડિયન ફાર્માસ્યુટિકલ ફર્મ વેક્સીન તૈયાર કરી હતી.
આ વેક્સીનને માત્ર પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો અને બીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. ટ્રાયલ પૂર્ણ થતા પહેલા જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઉપયોગની મંજૂરી આપી હતી અને ત્યારે વેક્સીને ઈબોલાને કાબૂ કરવામાં મદદ કરી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એચ૧એન૧ મહામારીનો પણ ઉલ્લેખ કર્યો. સુરેશ જાધવે કહ્યું કે, વર્ષ ૨૦૦૯માં પણ એચ૧એન૧ મહામારીની વેક્સીન બનાવામાં આવી હતી.
ત્યારે ક્લિનિકલ પરીક્ષણોના તમામ તબક્કા પૂરા કર્યા બાદ વેક્સીનને વિકાસ માટે અને વેક્સીન લગાવવા માટે એક વર્ષ કરતા વધારે સમય લાગ્યો હતો. પરંતુ તેનાથી વિપરીત, પશ્ચિમમાં દવા બનાવનારાઓએ ૭ મહિનાથી ઓછા સમયમાં આવા ઉત્પાદનોનું માર્કેટિંગ શરૂ કર્યું, જ્યારે કોઈએ તેમની પૂછપરછ કરી ન હતી, તો કોવિશિલ્ડના ઉપયોગ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે વિરોધી સંપૂર્ણ પરીક્ષણ વિના રસીના ઉપયોગ પર સવાલ ઉઠાવી રહ્યો છે, જેનો કંપનીએ સ્પષ્ટ જવાબ આપ્યો છે.