કોરોના સામે તમામ સાવચેતીઓનું પાલન કરવાના શપથ લેતા જિલ્લા સેવા સદનના કર્મયોગીઓ
દાહોદ: જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે આવેલી વિવિધ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ આજ રોજ કલેક્ટર શ્રી વિજય ખરાડીની આંગેવાનીમાં કોરોના સામે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે શપથ ગ્રહણ કરી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલાં જનઆંદોલન પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સૌ કર્મયોગીઓએ માસ્ક પહેરવા, ૬ ફૂટનું અંતર જાળવવા, સાબુ અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરાંત પોતાના સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવવા અને યોગ-વ્યાયામ ઇત્યાદિ જીવનશૈલીનો ભાગ બનાવવાના શપથ લીધા હતા. સૌ કર્મયોગીઓએ પરિવાર, વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખવા પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, અત્યારે કોરોના સામે કોઇ વેક્સિન મળી નથી ત્યારે આપણી પાસે સામાજિક અંતર-માસ્ક-સેનેટાઇઝરના એસએમએસના મંત્રનું પાલન જ સૌથી અસરકારક નીતિ છે.
કોરોના સામેના આ અભિયાનમાં સરકારી કર્મચારી તરીકે આપણી વિશેષ જવાબદારી બને છે. આપણે સરકારી કચેરી ખાતે સરકારે જાહેર કરેલા નિયમોનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય છે.
આપણે અંગત રીતે પણ કોરોના બાબતે લોકોને જાગૃત કરવાનું કામ કરવું જોઇએ. આ માટે સોશ્યિલ મિડિયાનો પણ ઉપયોગ કરી શકાય.
કોરોના સામે જેટલી સાવચેતી રાખીશું એટલા જ સુરક્ષિત-સ્વસ્થ રહીશું.આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવે, એ.એસ.પી.સુશ્રી શૈફાલી બારવાલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.