કોરોના સામે વેક્સિન અસરકારક ઉપાય
કોરોના સંક્રમણની બીજી લહેરમાં તીવ્રતાથી લોકો સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે જિલ્લાના પોલીસકર્મીઓ જે સતત ફરજમાં લાગેલા હોય છે અને ફરજના ભાગરૂપે અનેક લોકોને મળવાનું થતું હોય તેમને કોરોનાનું સંક્રમણ લાગવાની શક્યતા વધુ છે.
આવા સમયમાં જનસુરક્ષાની સુરક્ષાની જવાબદારી સુપેરે નિભાવતા પોલીસકર્મીઓની સુરક્ષા કોરોનાની વેક્સિન કરી રહી છે. આજે વેક્સિનના બંને ડોઝ લેનારા દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.પી. પટેલનો અનુભવ જાણીશું.
શ્રી પટેલ જણાવે છે કે, મેં કોરોના વેક્સિનના બંને ડોઝ નિયત સમયમર્યાદામાં લીધા છે. તેની કોઇ આડઅસર નથી. આ બાબતે ચાલતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવું. વેક્સિન લીધા બાદ પણ કોરોના સામેની તમામ સાવચેતીઓ રાખવાની છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને સેનિટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવો જોઇએ.
જેથી કોરોનાથી દૂર રહી શકાય. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા આ બાબતે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શીકાનું ચુસ્ત પાલન કરવું જોઇએ. જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાનો પણ ચુસ્ત અમલ કરવાનો છે. ઘરમાં રહેવું, સુરક્ષિત રહેવું.