કોરોના સામે સોનાથી લડાઈ, 3 લાખ રૂપિયાનો સોનાનો માસ્ક બનાવ્યો
પૂણે, કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે હવે માસ્ક લોકોના જીવનનો અનિવાર્ય હિસ્સો બી ગયા છે.માસ્કનુ ચલણ વધવાની સાથે સાથે તેનુ એક માર્કેટ પણ ઉભુ થઈ ગયુ છે. લોકો અલગ અલગ પ્રકારના માસ્ક ડીઝાઈન કરી રહ્યા છે.પૂણેના રહેવાસી શંકર કુરાડે તો આ બાબતમાં બધા કરતા એક ડગલુ આગળ વધી ચુક્યા છે.
શંકર કુરાડેએ કદાચ અત્યાર સુધીનો ભારતનો સૌથી મોંઘો માસ્ક બનાવ્યો છે.આ માસ્ક સોનાનો છે અને તેની કિંમત લગભગ 3 લાખ રુપિયા છે.જેના કારણે આ માસ્ક આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.શંકર કુરાડે સોનાના ઘરેણા પહેરવાના પહેલેથી શોખીન છે. તેઓ કોઈ પણ સમયે 3 કિલો વજનના સોનાના ઘરેણા શરીર પર પહેરીને ફરતા હોય છે.ગળામાં સોનાની ચેન, હાથની દસે આંગળીઓમાં દસ અંગૂઠીઓ અને હાથ પર સોનાનુ બ્રેસલેટ શંકર કુરાડેની આગવી ઓળખ છે.
હવે તેમણે બે તોલા સોનામાંથી 3 લાખ રૂપિયાનો માસ્ક બનાવ્યો છે.તેમનુ કહેવુ છે કે, ટીવી પર એક વ્યક્તિએ ચાંદીનો માસ્ક પહેર્યો હતો.એ પછી સોનાનો માસ્ક બનાવવાનો આઈડિયા આવ્યો હતો. જોકે તેમનુ કહેવુ છે કે, સોનાનો માસ્ક કોરોના સામે લડવા માટે કેટલો પ્રભાવશાળી છે તે અંગે હું નિશ્ચિત નથી.