કોરોના સારવારમાં ખાનગી હોસ્પિટલોની દાદાગીરીઃ માતા-પુત્રી વ્યાજના ચક્કરમાં ફસાયા
મ્યુનિ.ક્વોટાના દર્દી પાસેથી સીમ્સ હોસ્પિટલે રૂા.પાંચ લાખ વસુલ કર્યાઃ મયુર દવેઃ સાલ હોસ્પિટલમાં કોરોના દર્દીના મૃત્યુ બાદ મૃતકના પુત્રએ હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના દર્દીઓને વિનામૂલ્યે સારી સારવાર મળી રહે તે આશયથી અમદાવાદ મનપા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. જેમાં સારવારનો તમામ ખર્ચ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ચૂકવવામાં આવે છે. તેમ છતાં કેટલીક ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા દર્દીઓ પાસેથી સારવારના રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જેના કારણે ખાડીયાના માતા-પુત્રી વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયાં છે. જ્યારે બીજા એક બનાવમાં હોસ્પિટલ તરફથી સારી સારવાર ન મળતાં કોરોના દર્દીનું મૃત્યુ થયું છે. જે અંગે મૃતકનાં પુત્રએ વસ્ત્રાપુર પોલીસમાં અરજી કરી હોવાની વિગતો બહાર આવી છે.
ખાડીયાની રાવળ શેરીમાં રહેતાં દેવીબેન જાેશી અને એમની પુત્રી વિદ્યાબેન જાેશીને ગત તા.૧૭મી મેના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વિદ્યાબેનનાં પતિ પુરુષોત્તમભાઈનું પણ કોરોનાનાં કારણે મૃત્યુ થયું હતું. દેવીબેન અને વિદ્યાનો અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવ્યા બાદ તેમને સીમ્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં વિદ્યાબેને ૧૮મીથી ૨૮મી મે સુધી સારવાર લીધી હતી. જ્યારે દેવીબેને ૧૮મીથી ૧૯ મે સુધી સારવાર લીધી હતી.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સમયે વિદ્યાબેનને ૨.૦૯ લાખ અને દેવીબેનને ૨.૪૯ લાખનું બિલ આપવામાં આવ્યું હતું. પિતા મૃત્યુ પામ્યા હોવાથી ઘરમાં આ બિલ ભરવાનાં પૈસા તેમની પાસે નહોતા. જેથી તેમણે રૂા.૫ લાખ વ્યાજે લીધા હતાં. જેનું તેઓ દર મહિને ૩૦ હજાર વ્યાજ ચૂકવી રહ્યાં છે. આ અંગે તેમણે અવારનવાર મ્યુનિ.આરોગ્ય વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ઉપરોક્ત માહિતી આપતાં સ્થાનિક કોર્પાેરેટર મયુર દવેએ વધુમાં જણાવ્યું હતું કે, સીમ્સ હોસ્પિટલે દિવસ દરમ્યાન તબીબ એક વખત દર્દીની ચકાસણી માટે આવે તે પેટે રૂા.૩૫૦૦ ચાર્જ લગાવ્યો છે. સમગ્ર મામલે તેમણે મ્યુનિ.કમિશનર અને ડે.હેલ્થ કમિશનર સમક્ષ માતા-પુત્રીને રૂા.૫ લાખ પરત અપાવવા રજૂઆત કરી છે.
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સાલ હોસ્પિટલ સામે પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે. ફરીયાદી કેવીનભાઈ પટેલના જણાવ્યા મુજબ તેમના પિતા કીરીટભાઈ પટેલ અને માતા સાત ઓક્ટોબરે કોરોના સંક્રમિત થયા હતા.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા તેમને સાલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં શરૂઆતમાં તેમને સારી સારવાર આપવામાં આવી હતી. પરંતુ તબિયતમાં સુધારો થયો ન હોવા છતાં ૧૪ ઓક્ટોબરે તેમના પિતા કીરીટભાઈને રજા આપવામાં આવી હતી. તેથી તેઓ ૧૫ ઓક્ટોબરે ફરીથી એસ.વી.પી. હોસ્પિટલ ગયા હતા. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ફરીથી વિનામૂલ્યે સારવાર આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. જેના કારણે તેમના પિતાને સાલ હોસ્પિટલમાં “પેઈડ” સારવારથી દાખલ કરવામાં આવ્યા હતા. જેના માટે તેમણએ રૂા.બે લાખ ડીપોઝીટ ભરી હતી. કોરોના દર્દી કીરીટભાઈ પટેલને બાર વાગે પ્લાઝમા થેરેપી આપવાની હતી પરંતુ તેનું કન્ફર્મેશન જ બપોરે ત્રણ વાગ્યે હતું.
ત્યારબાદ પણ પ્લાઝમા થેરેપી આપવામાં આવી ન હતી. તેથી તેઓ સાલ હોસ્પિટલ ગયા હતા. તથા હાજર તબીબો સાથે દલીલ કરી હતી. તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે નોંધ કરાવી હતી. ત્યારબાદ તેમના પિતા કીરીટભાઈ પટેલનો પ્લાઝમા થેરેપી આપવામાં આવી હતી.
૨૮ ઓક્ટોબરે કીરીટભાઈ પટેલે પુત્ર કેવીન પટેલને વોટ્સએપ મેસેજ કરીને હોસ્પિટલ બદલવા જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ રાત્રી શીફ્ટના તબીબો તથા નર્સ વચ્ચે આંતરીક વિખવાદ ચાલી રહ્યો હતો. જેનો ભોગ દર્દીઓ બનતા હતા. તથા દર્દીના ઓક્સીજન લેવલ વધઘટ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનો તથા હોસ્પિટલની ભુલના કારણે કીરીટભાઈ પટેલનું મૃત્યુ થયું હોવાનો ગંભીર આરોપ પણ પુત્ર કેવીન પટેલ દ્વારા મૂકવામાં આવ્યો છે.