કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલોને રૂા.૩૮ર.પ૪ કરોડ ચુકવાયા
કોરોનાની ત્રણ લહેર દરમ્યાન ઓક્સિજન માટે માત્ર રૂા.ચાર કરોડ ખર્ચ કર્યા: મનપાએ રર મહીનામાં કોરોના દર્દીઓની સારવાર પેટે રૂા.૧૦૩૪ કરોડ ખર્ચ કર્યા: દર્દી દીઠ રૂા.૩૬ હજાર ખર્ચ થયો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ- ર૦ર૦માં કન્ફર્મ થયો હતો. શહેરમાં પ્રથમ કેસ નોંધાયો તે સમયથી જાન્યુઆરી-ર૦રર સુધી એટલે કે લગભગ ર૦ મહીનામાં કોરોના કેસની સંખ્યા અઢી લાખને પાર કરી ગઈ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવી રહી છે. પ્રથમ અને બીજી લહેર દરમ્યાન દર્દીઓની સંખ્યામાં અસામાન્ય વધારો થતા ખાનગી હોસ્પીટલોમાં પણ સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જેના બીલ પેટે કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે.
એક અંદાજ મુજબ નવી એસવીપી હોસ્પીટલ તૈયાર થાય તેટલી રકમ ખાનગી હોસ્પીટલોને ચુકવવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશને માર્ચ- ર૦ર૦થી જાન્યુઆરી- ર૦રર સુધીના સમયગાળા દરમ્યાન દર્દી દીઠ રૂા.૩૬ હજાર કરતા વધુ ખર્ચ કર્યા છે જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ઘણી જ રાહત થઈ હતી. જાેકે કોરોનાની આડમાં મોટાપાયે ખાસ કરીને ખાનગી હોસ્પીટલોમાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાની વિગતો પણ બહાર આવી છે. મનપા તરફથી ખાનગી હોસ્પિટલોને ચુકવવામાં આવેલા બીલની રકમ ચર્ચાનો વિષય બની છે.
સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાની ગતિ ધીમી પડી છે. બીજી લહેરના કડવા અનુભવ બાદ વહીવટીતંત્ર અને શાસકો સજાગ બન્યા હોવાથી ત્રીજી લહેરમાં મરણાંક ખુબજ ઓછો થયો છે તેમજ કેસની સંખ્યા પણ નિયંત્રણમાં આવી છે. પરંતુ કોરોના માટે થતા ખર્ચ પર હજી સુધી નિયંત્રણ આવ્યુ નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧ એપ્રિલ ર૦ર૦થી ૩૧ જાન્યુઆરી- ર૦રર સુધી કોરોના પાછળ રૂા.૧૦૩૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન કોરોનાના કુલ ર૮૪૬૯૬ કેસ નોધાયા છે. મલતબ કે દર્દી દીઠ રૂા.૩૬૩૪૯નો ખર્ચ થયો છે.
જાેકે, દર્દીઓની સારવાર માટે થયેલા ખર્ચના લગભગ ૩પ ટકા ખર્ચ ખાનગી હોસ્પીટલોના બીલનો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવાર પેટે રૂા.૩૮ર.પ૪કરોડ ચુકવવામાં આવ્યા છે એ અલગ બાબત છે કે ખાનગી હોસ્પિટલો દ્વારા ડમી પેશન્ટ દર્શાવવામાં આવ્યા હોવાના તથા મનપા એ નિયત કરેલ દવા ના મુલ્ય કરતા વધુ રકમ લેવામાં આવી હોવાના પણ આક્ષેપ થયા છે.
કોરોનાકાળ દરમ્યાન ધનવંતરી રથ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે જેના બીલ પેટે રૂા.૧૬.ર૮ કરોડ ચુકવાયા છે. જયારે ત્રણ લહેર દરમ્યાન ઓક્સીજન માટે માત્ર રૂા.૩.૯૯ કરોડનો ખર્ચ થયો છે. નોંધનીય છે કે બીજી લહેર દરમ્યાન ઓકસીજનના અભાવે દર્દીઓના મૃત્યુ થયા હોવાની ચર્ચાએ જાેર પકડયું હતું.
કોરોનાની પહેલી અને બીજી લહેર સમયે દર્દીઓ તથા તેમના પરિવારજનો માટે દરેક વોર્ડમાં સમરસ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી હતી જે પેટે લગભગ રૂા.૮૦ કરોડનો ખર્ચ થયો છે. જયારે પેટ્રોલ, ડીઝલ અને ટ્રાન્સપોર્ટેશન પેટે રૂા.૯૮.૩૪ કરોડ ચુકવાયા છે.
એસ.વી.પી. તેમજ મનપાની અન્ય હોસ્પિટલોમાં ફરજ બજાવનાર તબીબોના પગાર તથા ઈન્સેટીવ પેટે રૂા.૮૮.૭૪ કરોડ ચુકવાયા છે. તબીબોએ જીવ ના જાેખમે દિવસ- રાત ફરજ બજાવી અનેક દર્દીઓના જીવ બચાવ્યા છે જેની સામે તેમને આપવામાં આવેલ ઈન્સેન્ટીવની રકમ અત્યંત ઓછી હોવાનું પણ માનવામાં આવી રહયુ છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મ્યુનિ. હોસ્પીટલો તથા ઘરે સારવાર લેનાર દર્દીઓની દવા પેટે માત્ર રૂા.૬૮.૩૯ કરોડનો ખર્ચ થયો છે. જયારે કોરોના ટેસ્ટીંગ કીટની ખરીદી માટે રૂા.૧પપ કરોડ તથા પી.પી.ઈ. કીટ માટે રૂા.પ.પ૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જયારે માસ્કની ખરીદી માટે રૂા.પ.૭૬ કરોડ ચુકવાયા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રથમ લહેર પૂર્ણ થઈ તે સમયે ઓકટોબર-ર૦ર૦ સુધી રૂા.૩૧૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ડીસેમ્બર-ર૦ર૦ સુધી ખર્ચનો આંકડો રૂા.૪૪પ કરોડ થયો હતો. જયારે એપ્રિલ- ર૦ર૧ સુધી કોરોના દર્દી દીઠ રૂા.૩૯૭૭૦ ખર્ચ કર્યો હતો. આ સમયગાસા સુધી કુલ ખર્ચ રૂા.૬૪પ કરોડ થયો હતો, જેમાં દવા, ઈન્જેકશન તથા ટેસ્ટીંગ કીટની ખરીદી પેટે રૂા.૧૪૦ કરોડ ચુકવાયા હતા.
જયારે ખાનગી હોસ્પિટલના બીલની રકમ રૂા.૯૦ કરોડ હતી જે જાન્યુઆરી- ર૦રર સુધી રૂા.૩૮ર કરોડ થઈ છે. એપ્રિલ- ર૦ર૧થી જાન્યુઆરી- ર૦રર સુધી કોરોનાના કુલ ખર્ચમાં રૂા.૩૯૦ કરોડનો વધારો થયો છે. જયારે આ જ સમયગાળા દરમ્યાન ખાનગી હોસ્પિટલોના બીલની રકમમાં રૂા.ર૯ર કરોડનો વધારો થયો છે. મતલબ કે છેલ્લા આઠ મહીનામાં કોરોના ખર્ચમાં જે વધારો થયો છે તેના ૭૦ ટકા રકમ ખાનગી હોસ્પીટલોના બીલની છે.