કોરોના: હવે પછીના અઢી મહિના બહુ જ મહત્વનાઃ ડૉ. હર્ષવર્ધન
નવી દિલ્હી, આગામી દિવસોમાં શિયાળા અને વધતા જતા પ્રદુષણના કારણે કોરોના વધારે કહેર મચાવશે તેવો ભય વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને પણ આ વાતને સમર્થન આપ્યુ છે.
તેમણે કહ્યુ છે કે, શિયાળાની સિઝન અને તહેવારોને જોતા કોરોના સામેના જંગમાં આગામી અઢી મહિના ભારે મહત્વના રહેશે.આ માટે આપણી બધાની જવાબદારી છે કે, બેદરકારી ના વરતીએ અને કોરોનાને ફેલાતો અટકાવીએ.દેશમાં કોરોનાની ત્રણ રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.જો બધુ સમુ સુતરુ પાર ઉતર્યુ તો સ્વદેશી કોરોના વેક્સિનનુ ઉત્પાદન બહુ જલદી શરુ થઈ જશે.
ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, ભારતમાં જે ત્રણ રસી પર કામ ચાલી રહ્યુ છે તેમાંથી એક રસીની ત્રીજા સ્ટેજની અને અન્ય બે રસીની બીજા સ્ટેજની ટ્રાયલ ચાલી રહી છે. કોરોના સામેની લડાઈમાં આગલા બે થી અઢી મહિના ભારે મહત્વના પૂરાવાર થવાના છે ત્યારે દરેક નાગરિક સચેત રહે અને સરકારના નિર્દેશોનુ પાલન કરે તે જરુરી છે.