કોરોનિલ સામે પ્રતિબંધ લાદ્યો હોવાનો નેપાળનો ઈનકાર

પ્રતિકાત્મક
નવી દિલ્હી: નેપાળ સરકારે દેશમાં પતંજલિની આયુર્વેદ આધારીત કોરોનિલ વિરૂદ્ધ કોઈ સત્તાવાર પ્રતિબંધ મુકવાનો આદેશ જાહેર નથી કર્યો. સ્વાસ્થ્ય મંત્રાલયના એક પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી હતી. ગત વર્ષે ભારતમાં કોવિડ-૧૯ મહામારી જ્યારે પોતાની ચરમસીમાએ હતી ત્યારે ૨૩ જૂનના રોજ યોગ ગુરૂ રામદેવે પોતાની આયુર્વેદ આધારીત કોરોનિલ કીટ રજૂ કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા ડૉ. કૃષ્ણ પ્રસાદ પૌડયાલે એ સમાચારોનું ખંડન કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, નેપાળ સરકારે દેશમાં કોરોનિલ પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમણે જણાવ્યું કે, સરકારે દવા વિરૂદ્ધ કોઈ સત્તાવાર પ્રતિબંધ આદેશ જાહેર નથી કર્યો.
તેમણે જણાવ્યું કે, સામાન્ય જનતામાં વિતરિત થતી કોઈ પણ પ્રકારની દવા પહેલા સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રાલય અંતર્ગત ઔષધિ પ્રશાસન વિભાગમાં નોંધાય તે આવશ્યક છે. વધુમાં જણાવ્યું કે, થોડા સમય પહેલા નેપાળના તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી હૃદયેશ ત્રિપાઠીને કોરોનિલનું એક પેકેટ ભેટમાં આપવામાં આવ્યું હતું અને તે સિવાય આ કેસમાં અન્ય કોઈ વિગતો મને નથી ખબર.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ વાતનો કોઈ પુરાવો નથી કે કોરોનિલ કોરોનાની બીમારીમાંથી સાજા કરી શકે છે. નેપાળમાં અનેક આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતાને વધારી શકે છે અને કોરોના સંક્રમણથી છૂટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે. જાેકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હજુ સુધી એવી કોઈ દવાને મંજૂરી નથી આપી જે કોરોનાની સારવાર કરી શકે.