કોર્ટના આદેશના અનાદર બદલ પાંચ અધિકારીને સજા
વિજયવાડા, આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે પાંચ આઈએએસ અધિકારીઓને કોર્ટના હુકમનો અનાદર કરવાના કેસમાં જેલની સજા તેમજ દંડ ફટકારતા હડકંપ મચી ગયો છે. કોર્ટે નેલ્લોર જિલ્લાના કાનુપુર ગામના એક ખેડૂત દ્વારા જમીન સંપાદન બદલ સરકારને વળતર ચૂકવવા માટે ઓર્ડર કર્યો હતો. જાેકે, તેનું પાલન ના થતાં ખેડૂત દ્વારા આ મામલે પિટિશન કરવામાં આવી હતી. જેના પર સુનાવણી હાથ ધરતાં કોર્ટે પોતાના હુકમના અનાદરમાં પાંચ આઈએએસ અધિકારીઓને દોષિત ઠેરવીને તેમને સજા ફટકારી હતી.
કોર્ટે જે અધિકારીઓને સજા ફટકારી છે તેમાં મહેસૂલ વિભાગના તત્કાલિન પ્રિન્સિપાલ સેક્રેટરી મનમોહન સિંઘનો પણ સમાવેશ થાય છે. જેમને ચાર સપ્તાહની જેલ અને એક હજાર રુપિયાનો દંડ કરાયો છે. જ્યારે નાણા વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.એસ. રાવતને મહિનાની જેલ અને બે હજારના દંડની સજા કરાઈ છે.
કોર્ટે એવું પણ જણાવ્યું છે કે જાે આરોપીઓએ દંડ ના ભર્યો તો તેમને એક સપ્તાહ વધુ જેલમાં રહેવું પડશે. નેલ્લોર જિલ્લાના કલેક્ટર રેવુ મુતયલા રાજુને પણ બે સપ્તાહની જેલ અને ૧ હજારનો દંડ જ્યારે નેલ્લોર જિલ્લાના કલેક્ટર તરીકે અગાઉ કામ કરી ચૂકેલા કેએનવી ચક્રધાર અને એમ.વી. શેશગીરી બાબુને પણ બે હજારનો દંડ ફટકારાયો છે, જાે તેમણે દંડ ના ભર્યો તો તેમને એક સપ્તાહ જેલમાં રહેવું પડશે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, નેશનલ ઈન્ટિટ્યૂટ ફોર મેન્ટલી હેન્ડિકેપ્ડ માટે સરકાર દ્વારા ખેડૂતની જમીન સંપાદિત કરાઈ હતી. જેની સામે ૨૦૧૭માં તેણે હાઈકોર્ટમાં પિટિશન કરીને વળતરની માગ કરી હતી. કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા ત્રણ મહિનાની અંદર અરજદાર તેમજ જેમની જમીન આ પ્રોજેક્ટ માટે લેવાઈ છે તે તમામ લોકોને વળતર ચૂકવવા માટે હુકમ કર્યો હતો.
જાેકે, કોર્ટે નિયત કરેલા સમયગાળામાં વળતર ના ચૂકવાતા ખેડૂતે ૨૦૧૮માં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. આ મામલે કોર્ટે તમામ જવાબદાર લોકોને નોટિસ ફટકારી હતી. કોર્ટની નોટિસ મળતાં જ અધિકારીઓ દ્વારા સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું અને આખરે ૩૦ માર્ચ ૨૦૨૧ના રોજ ખેડૂતોને વળતર ચૂકવાયું હતું. જાેકે, કોર્ટે ત્રણ મહિનામાં જે વળતર ચૂકવવા કહ્યું હતું તે છેક ત્રણ વર્ષ બાદ ચૂકવીને કોર્ટના આદેશનું સમયસર પાલન નહોતું કરાયું.
ત્રણ વર્ષ ચાલેલી સુનાવણીના અંતે કોર્ટે તત્કાલિન રેવેન્યુ પ્રિન્સિપાલ સેક્રેટરી મનમોહન સિંઘ, નાણાવિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.એસ. રાવત, નેલ્લોર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા મુતલયારાજુ, ચક્રધરન અને શેશગીરી બાબુને ખેડૂતને વળતર ચૂકવવામાં મોડું કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ બટ્ટુ દેવાનંદને પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે અધિકારીઓ દ્વારા મોડું કરાતા વૃદ્ધ અરજદારને ખૂબ જ સહન કરવું પડ્યું છે.
આ કેસમાં કોર્ટનો સ્પષ્ટ પણે અનાદર થયો છે, અને તેની ક્ષતિ બિનશરતી માફીથી થઈ શકે તેમ નથી. કોર્ટે સરકારને અરજદારને કાયદાકીય ખર્ચ પેટે ૧ લાખ રુપિયા ચૂકવવા પણ જણાવ્યું હતું. જાેકે, આરોપી અધિકારીઓની વિનંતી પર કોર્ટે પોતાના ચુકાદાનો અમલ ચાર સપ્તાહ માટે મુલતવી રાખ્યો છે.SSS