કોર્ટે આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા ફટકારી

વારાણસી,ઉત્તરપ્રદેશના વારાણસીમાં ૧૬ વર્ષ પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટના મામલામાં ગાઝિયાબાદ કોર્ટે આરોપી વલીઉલ્લાહ માટે સજાની જાહેરાત કરી દીધી છે. કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી છે. મહત્વનું છે કે ૧૬ વર્ષ પહેલાં વારાણસીના સંકટમોચન અને કેન્ટ સ્ટેશન પર બ્લાસ્ટ થયા હતા.
સંકટ મોચન મંદિર અને છાવણી રેલવે સ્ટેશન પર સાત માર્ચ ૨૦૦૬ના થયેલા બ્લાસ્ટમાં ૨૦ જેટલા લોકોના મોત થયા તો ૧૦૦થી વધુને ઈજા થઈ હતી.જિલ્લા તંત્રના વકીલ રાજેશ શર્માએ કહ્યુ કે, જિલ્લા સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિન્હાએ વલીઉલ્લાને આઈપીસીની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા બે કેસમાં દોષી ઠેરવ્યા.
ચુકાદો સંભળાવવા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખતા જિલ્લા જજની અદાલતમાં મીડિયાને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહીં. કોર્ટમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મહત્વનું છે કે વારાણસીમાં થયેલા બોમ્બ ધમાકા બાદ કોઈપણ વકીલ આરોપી વલીઉલ્લાહનો કેસ લડવા માટે તૈયાર થયા નહીં.
ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર કેસને ગાઝિયાબાદ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આ ત્રણ ધમાકામાં પાંચ આતંકીઓનો હાથ છે. તેમાંથી એક આતંકી મૌલાના ઝુબેરને સુરક્ષાદળોએ ઠાર કરી દીધો હતો.hs2kp