Western Times News

Gujarati News

કોર્ટ તથા તાલુકા વિકાસ અધિકારીનો અનાદર કરનાર નોંધણા ગ્રામપંચાયત ને સુપરસીટ કરવા માંગ

ભરૂચ: નોંધણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ, વોર્ડ નંબર ૮ ના સભ્ય અે ગામની એક મિલકત પોતાના નામે ચડાવવા નિયમો વિરુદ્ધ ખોટો ઠરાવ કરાવતા થયેલ ફરિયાદમાં જંબુસરના ટીડીઓએ ઠરાવ રદ્દ કરવાનો હુકમ કર્યા પછી તથા જંબુસરના મુખ્ય સિવિલ જજ દ્વારા સ્ટેટસ કો નો હુકમ કર્યા પછી પણ ફરીથી એ જ ઠરાવ પસાર કરી કાયદાનો ભંગ કરેલ હોય અરજદાર ગીરીશભાઇ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી નોંધના ગ્રામપંચાયતને સુપરસીટ કરવાની માંગણી કરી છે.


નોંધણા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચની કામગીરી શરૂથી જ વિવાદાસ્પદ રહી છે કોઇ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર વિકાસ કામો કરી તેનું ચૂકવણું કરી ગેરરીતિ આચર્યાની ફરિયાદ  અગાઉ થઈ હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ તારીખ ૩૦/૧૦/૨૦૧૮ ના હુકમથી આ કામમાં ગંભીર ક્ષતિ હોવા છતાં પ્રથમ વહીવટી  ક્ષતિ ગણી સજા ન કરી બીજી વાર આવી ક્ષતિ ન થાય તે માટે તાકીદ કરી હતી.ત્યાર બાદ નોંધાણા ગામે ગટરની કામગીરીમાં ગેરરીતિની ફરિયાદ તકેદારી આયોગને થઈ હતી.

જેની તપાસ થતાં ૧૫૬ મીટર ગટર લાઈનને બદલે ૧૧૯ મીટરની કામગીરી કરી હોવાની માલસામાન ખરીદી માટે ભાવપત્રક ન મંગાવવાની કામના ખોટી રીતે  પાંચ ભાગલા જરૂરી મંજૂરી મેળવ્યા વગર પાડ્યા હોવાની તથા કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવ્યા વગર ચુકવણી કરવાની જવાબદારી સરપંચ તથા તલાટી કમ મંત્રીની હોય શિક્ષાત્મક કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીએ અભિપ્રાય આપેલ છે અને  આવનારા દિવસોમાં આ બાબતે અંતિમ ભૂકંપ થનાર છે.ત્યારે ગામની મિલકત પોતાના નામે  ચડાવી દેવા સરપંચના પતિએ ગેરકાયદેસર રીતે બીજી વાર ઠરાવ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

જંબુસર તાલુકાના નોંધણા ની મિલકત નંબર  ૧૫૫/૩ પોતાના નામે ચડાવવા મહિલા સરપંચના પતિએ તારીખ ૨૭/૨/૨૦૧૮ ના રોજ અરજી આપી બીજા જ દિવસે તારીખ ૨૮/૨/૨૦૧૮ ની સામાન્ય સભામાં કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર પોતાની મરજી મુજબનો ઠરાવ કરાવી લીધો હતો.સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો લેવા જતાં મિલકતના માલિક ગીરીશભાઈ કાંતિભાઈ પટેલ અે ધર્મેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ જંબુસરના પ્રિન્સિપલ સિનિયર જજની કોર્ટમાં કરેલા દાવા અનુસાર સવાલ વાળી જગ્યાના મૂળ માલિકોએ તારીખ ૧૬/૫/૨૦૦૬ ના રોજ જગ્યાનો વેચાણ કરાર  નોટરી સમક્ષ કરી આપી કબજો ગિરીશભાઈ પટેલને સોંપી દીધો હતો અને ત્યાર થી ગીરીશભાઈ આ જગ્યાનો વપરાશ કરતા હોવા છતાં ચૂંટણીની અદાવતને કારણે સરપંચના પતિ ધર્મેન્દ્રભાઇએ તારીખ ૧૨/૨/૨૦૧૮ ના રોજ સદર જગ્યાનું વેચાણ દસ્તાવેજ બનાવી ગેરકાયદેસર કૃત્ય કરેલ છે આ કામે કોર્ટે યથાવત્ સ્થિતિ જાળવવા આદેશ કરેલ છે.

નોંધણા ગ્રામપંચાયતે તારીખ ૨૮/૨/૨૦૧૮ ના રોજ પસાર કરેલ ઠરાવ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતાં તેમણે તારીખ ૯/૧૦/૨૦૧૯  ના રોજ ઠરાવ રદ્દ કરવા હુકમ કરેલ છે.નિયમ અનુસાર ઠરાવ રદ થતાં સંબંધિત વ્યક્તિએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ કરવાની રહે છે અને તેમના હુકમના આધારે જ ફરી થી ઠરાવ કરી શકાય.પરંતુ અધિકાર ન હોવા છતાં નોંધના ગ્રામ પંચાયતે તારીખ ૯/૧૨/૨૦૧૯ ની સામાન્ય સભામાં ફરીથી એ જ ઠરાવ પસાર કરી કાયદાનો ભંગ કોર્ટ તથા તાલુકા વિકાસ અધિકારીના હુકમનો અનાદર કરેલ હોય નોંધણી ગ્રામ પંચાયત સુપરસીડ કરવા માંગણી કરેલ છે.તાલુકા વિકાસ અધિકારીએ પણ આ ગેરકાયદેસર કૃત્ય પ્રત્યે આકરું વલણ દાખવી તારીખ ૧૭/૩/૨૦૨૦ ના રોજ નોંધણીના તલાટી કમ મંત્રીને નોટીસ આપી દિન પાંચમાં આધાર પુરાવા સહિત ખુલાસો આપવા અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચના પતિની આપખુદ શાહીના વિરોધમાં તારીખ ૧૨/૩/૨૦ ના રોજ યોજાયેલ ગ્રામસભામાં પણ ખૂબ મોટો ઉહાપોહ થયો હતો તથા સરપંચને બદલે તેમના પતિ સભાનું સંચાલન કરતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવી ગ્રામસભા રદ્દ કરવાની ફરજ પાડી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.