અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યું : દરરોજ ૧૦૦૦ ટેસ્ટ કરાશે
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોના વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ચિંતાજનક રીતે કેસો વધી રહયા છે અમદાવાદ શહેરમાં ટેસ્ટીંગની સંખ્યા ઘટાડવામાં આવતા કેસો ઘટી ગયા હોવાની ચર્ચા શહેરભરમાં થઈ રહી છે આ ઉપરાંત કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે
જેના પગલે કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુ છે અને શહેરમાં ફરી એક વખત ટેસ્ટીગની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે અને ખાસ કરીને જે વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે તેવા વિસ્તારોમાં આ કામગીરી પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવશે.
સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહયો છે છેલ્લા ત્રણ દિવસથી ૭૦૦થી વધુ કેસો નોંધાઈ રહયા છે જાકે સુરત શહેરમાં પરિસ્થિતિ ચિંતાજનક બનવા લાગી છે આ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોને લઈ વિવાદ સર્જાયો છે અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ થાળે પડી રહી હોય તેવા દાવા કરવામાં આવતા હતા જાકે તેની સામે કેટલીક ચોંકાવનારી વિગતો લોકોમાં ચર્ચાઈ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટેસ્ટીગની માત્રામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે તેવા આક્ષેપથી શહેરીજનો પણ ફફડી ઉઠયા છે
જયારે કેટલાક નાગરિકો ટેસ્ટ કરાવતા ડરી ગયા છે આ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં રોજ જુદા જુદા વિસ્તારોમાંથી કોરોનાના કેસો નોંધાઈ રહયા છે અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થાય તેવી દહેશત સેવાઈ રહી છે. આ પરિસ્થિતિ માં સફાળા જાગેલા મ્યુનિ. કોર્પો. તંત્રએ અગાઉ કરવામાં આવતી કામગીરી ફરી એક વખત શરૂ કરવાનો નીર્ણય લીધો છે.
અમદાવાદ શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરીને શકમંદોના ટેસ્ટ કરવામાં આવતા હતા તેજ રીતે હવે ઘરે જઈને લોકોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયુ છે. અમદાવાદ રોજ રેપીડ કીટ મારફતે ૧૦૦૦ વ્યક્તિઓના ટેસ્ટીગ કરવાનો નિર્ણય લેવાયો છે ખાસ કરીને ૮૦ ટકા ટેસ્ટીંગ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કરવામાં આવશે આ ઉપરાંત સંજીવની રથ મારફત ઘરે ઘરે જઈ શકમંદોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ પાસે રેપીડ કીટ પુરતા પ્રમાણમાં હોવાનું જાણવા મળી રહયું છે.