કોર્પોરેશને પાનના ગલ્લાનો દંડ ઘટાડી ૫,૦૦૦ કરવામાં આવ્યો
પાનના ગલ્લા બહાર મસાલા ખાધા પછી થૂંકવાના ગુનાની સજા પેટે ૫૦૦ જેટલા ગલ્લા સીલ કરવામાં આવ્યા હતા
અમદાવાદ, કોરોના વાયરસના વધતા કેસ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે આવામાં રાજ્યમાં જરૂર જણાય ત્યાં કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. જાેકે, ગલ્લાના માલિકો સામે કોર્પોરેશને નમતું ઝુકીને નક્કી કરેલી રૂા. ૧૦,૦૦૦ની રકમના બદલે રૂા. ૫૦૦૦ નો દંડ લઈને પાનના ગલ્લા ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, પાછલા અઠવાડિયા પાનના ગલ્લાની બહાર મસાલા ખાધા પછી થૂંકવાના ગુનાની સજાના ભાગરૂપે લગભગ ૫૦૦ જેટલા ગલ્લા સીલ કરવામાં આવ્યા હતા.
ગલ્લા પાસે લોકોના થૂંકવાના કારણે જે ગલ્લા સીલ કરવામાં આવ્યા હતા તે હવે રૂા. ૫૦૦૦ નો દંડ વસૂલીને ખોલી આપવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર ભાજપ અને કોંગ્રેસની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દંડની રકમમાં ઘટાડો કરવાનો મોટો નિર્ણય કર્યો છે. જેમાં દંડની રકમ નક્કી કરેલી રકમ કરતા અડધી કરી દેવામાં આવી છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હોબાળો થયો હોવાની વાત પણ સામે આવી છે. જે બાદ નિયમમાં ફેરફાર કરીને દંડની રકમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયુક્ત કરાયેલા વન અને પર્યાવરણ વિભાગના ચીફ સેક્રેટરી અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની બેઠક બાદ પાનના ગલ્લા અને ચાની કીટલીઓ કોરોના સુપરસ્પ્રેડર હોવાના નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું હતું.
કોરોનાના કારણે અમદાવાદની શું સ્થિતિ છે તે વિશે જાેઈએ તો સરકારી આંકડા પ્રમાણે અમદાવાદમાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૩૬૭૭ છે જે રાજ્યમાં સૌથી વધારે છે. આ સિવાય અત્યાર સુધીમાં અમદાવાદમાં ૧૯,૫૩૩ લોકો સાજા થઈ ગયા છે અને ૧૫૫૭ લોકોના કોરોના વાયરસના લીધે જીવ ગયો છે.