કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના ચિલ્ડ્રન પાર્કમાં ફૂડ કોર્ટ બનાવાશે
ફૂડ કોર્ટ શરૂ કરવા માટે હવે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યાઃ પાંચ વર્ષના ભાડા પટ્ટેથી જગ્યા અપાશે
અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ છેડે આવેલા ડફનાળા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે. જ્યાં હવે નજીકના દિવસોમાં જ અમ્યુકો તંત્ર મહિલાઓ અને બાળકોને વધુ એક સુવિધા અને સુગમતા માટે ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવશે.
પાર્કમાં બનાવવામાં આવેલી ત્રણ દુકાનોમાં ફૂડ કોર્ટ ઉભી કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. જા કે, નોંધનીય છે કે, આ ફૂડ કોર્ટમાં માત્ર વેજ ખાવાનું જ મળી રહેશે. નોનવેજ ફૂડ અહીં વેચાણ નહીં કરી શકાય. આ ચિલ્ડ્રન પાર્ક સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યો છે. ચિલ્ડ્રન પાર્કમાં ત્રણ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે, જેને શરૂ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
૧૨ ચોરસ મીટરની જગ્યામાં બનાવાયેલી ત્રણ દુકાનોનું મિનિમમ ભાડું રૂ. ૧૭૦૦૦ રાખવામાં આવ્યું છે. ટેન્ડરની શરતો મુજબ પાંચ વર્ષના ભાડા પટ્ટે જગ્યા આપવામાં આવશે. આગામી દિવસોમાં ટેન્ડર ચકાસણી અને શરતોને આધીન કોન્ટ્રાકટ આપી દુકાનોની ફાળવણી કરાશે અને રિવરફ્રન્ટના ચિલ્ડ્રન પાર્કમાં ફુડ કોર્ટ ધમધમતી કરવામાં આવશે. રિવરફ્રન્ટમાં સુવિધાઓ વધુને વધુ દિન પ્રતિદિન વધારવામાં આવી રહીછે જેના ભાગરુપે હવે પાર્કમાં ફુડ કોર્ટ પણ ઉભી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.