કોલંબિયામાં રાષ્ટ્રપતિની નીતિઓ સામે આંદોલન ૩ મોત, ૯૮ની ધરપકડ
બોગોટા, રાષ્ટ્રપતિ ઈવાન ડુકેની સામાજિક અને આર્થિક નીતિઓના વિરોધમાં કોલંબિયાના શહેરોમાં લોકો મોટી સંખ્યામાં સડકો પર ઉતરી આવ્યા છે. વિરોધને દાબી દેવાની કાર્યવાહીમાં ૩ લોકોનાં મોત થયા છે અને સરકારે ૯૮ લોકોની ધરપકડ કરી છે. સમાચાર એજન્સી એફે અુસાર, શુક્રવારે સંરક્ષણ મંત્રી કાર્લોસ હોમ્સ ટ્રૂઝિલોએ પોતાની રિપોર્ટમાં વિરોધ પ્રદર્શન અંગે માહિતી આપી હતી. મોડી રાત્રે વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં બોગોટામાં ૫૮ લાખ ડોલરથી વધુનુ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, ‘દિવસ દરમિયાન કોઈ પણ સમસ્યા વગર વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. કેટલીક જગ્યાએ હિંસા ફાટી નિકળી હતી. વિરોધ કરી રહેલા હજારો કોલંબિયન લોકોની ભીડ ગુરૂવારે બોગોટા, કેલી, મેડેલિન અને અન્ય મોટા શહેરોમાં સડકો પર ઉતરી આવી હતી. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, કોલંબિયાના ૩૧ રાજ્યોની ૩૫૦ નગરપાલિકાઓમાં લગભગ ૨,૫૩,૦૦૦થી વધુ લોકોએ માર્ચથી માંડીને રેલી કાઢવા જેવા જુદા-જુદા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ટ્રુઝિલોએ જણાવ્યું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન ૩ લોકોનાં જુદા-જુદા શહેરમાં મોત થયા છે અને ૯૮ લોકોની ધરપકડ કરાઈ છે. સુરક્ષા દળના ૧૫૧ સભ્યો, ૧૪૮ સૈનિક, ૩ પોલિસ અધિકારી અને ૧૨૨ નાગરિકો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ઘાયલ થયા છે