કોલકત્તામાં મોદીની રેલીમાં ગાંગુલી સામેલ થઈ શકે છે
કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું રણ તૈયાર થઈ ગયું છે. તૃણમૂલ કોંગ્રેસ જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને આગળ રાખી ‘જનતા બંગાલની બેટી ઈચ્છે છેનો નારો લગાવી રહી છે, તો ભાજપની પાસે મુખ્યમંત્રી પદ માટે હજુ સુધી કોઈ ચહેરો નથી. આ વચ્ચે સ્થાનીક મીડિયાના હવાલાથી સમાચાર આવ્યા છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાત માર્ચે કોલકત્તાન બ્રિગેડ મેદાનમાં થવા જઈ રહેલી પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં સામેલ થઈ શકે છે.
ચર્ચા તે વાતની છે કે પીએમની હાજરીમાં ગાંગુલી ભાજપમાં જાેડાઈ શકે છે. આવું પ્રથમ વાર નથી જ્યારે સૌરવ ગાંગુલીના ભાજપમાં સામેલ થવાની અટકળો સામે આવી છે. આ પહેલા પણ અનેક તકે ચર્ચા ઉઠી છે. ઘણા મહિનાથી રાજકીય વર્તુળોમાં તે વાતની ચર્ચા છે કે સૌરવ ગાંગુલીને ભાજપ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવી શકે છે. આ અટકળો વચ્ચે પીએમ મોદીની રેલીમાં ગાંગુલીની હાજરી પર બધાની નજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય નેતા હંમેશાથી તે કહી રહ્યા છે કે બંગાળના મુખ્યમંત્રી કોઈ બંગાળી બનશે, બહારના નહીં.
ઉલ્લેખનીય છે કે ૨૪ ફેબ્રુઆરીના ગાંગુલીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં વિશ્વના મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ગાટન બાદ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ખુબ પ્રંશસા કરી હતી. તેમણે આ ભવ્ય આયોજન માટે મોદી સરકારની પ્રશંસા કરી હતી. આ પહેલા સતત ગાંગુલી ખંડન કરી ચુક્યા છે કે તેમની ભાજપમાં જવાની યોજના નથી. આ પહેલા પાછલા વર્ષે ડિસેમ્બરમાં ગાંગુલી જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સાથે મુલાકાત કરવા ગયા હતા, તે સમયે પણ તેમના ભાજપમાં સામેલ થવાની અટકળો લાગી હતી.
અમિત શાહના પુત્ર અને બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે ગાંગુલીને સારા સંબંધ છે. ગાંગુલીની પત્ની ડોના ગાંગુલી કોલકત્તામાં દુર્ગા પૂરા દરમિયાન ભાજપ મહિલા મોર્ચાના કાર્યક્રમમાં પરફોર્મ કરતા જાેવા મળ્યા હતા. ડોના ગાંગુલી ક્લાસિકલ ડાન્સર છે. બીજીતરફ સૌરવ ગાંગુલી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે પણ સારા સંબંધ છે. ટીએમસી ગાંગુલીને રાજનીતિમાં ન આવવાની સલાહ આપી ચુકી છે. વર્ષ ૨૦૧૫માં મમતા બેનર્જીએ જગમોડન ડાલમિયાનું સ્થાન સૌરવ ગાંગુલીને આપ્યુ હતું.