કોલકાતા કાંડમાં CBIનો ખુલાસો-ડૉક્ટર પર ગેંગરેપ થયો નથી
કોલકત્તા, કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા કેસમાં સીબીઆઈએ નવો ખુલાસો કર્યો છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ડૉક્ટર પર ગેંગરેપ નથી થયો. સીબીઆઈના જણાવ્યા અનુસાર, સંજય રોય નામનો વ્યક્તિ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યામાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે ૧૩ ઓગસ્ટે આ કેસની તપાસની જવાબદારી CBIને સોંપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ફોરેન્સિક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંજય રોય નામના વ્યક્તિ દ્વારા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. તે કોલકાતા પોલીસ સાથે જોડાયેલો હતો. ડીએનએ રિપોર્ટમાં પણ તેની સંડોવણીની પુષ્ટિ થઈ છે. સંજય રોયની ૧૦ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. આના એક દિવસ પહેલા જ હોસ્પિટલના સેમિનાર હોલમાં અર્ધ-નગ્ન હાલતમાં ડૉકટરનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ સિવાય સીબીઆઈએ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે, જેમાં તે બિલ્ડીંગમાં પ્રવેશતો જોવા મળ્યો હતો જ્યાં ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી. આરોપી ઘરેલુ હિંસાનો ઈતિહાસ ધરાવે છે. આ હોવા છતાં, તેની હોસ્પિટલના તમામ વિભાગોમાં પહોંચ હતી. ગુનાના સ્થળે તેનું બ્લૂટૂથ હેડસેટ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.