કોલકાતાના શખ્સે આઈફોન મગાવ્યો, બોક્સમાં સાબુ આવ્યા
કોલકાતા, ઈન્ટરનેટના આ યુગમાં ઓનલાઈન ખરીદીનું ચલણ ખૂબ વધી ગયું છે. પણ, સાથે-સાથે હવે ઓનલાઈન ઓર્ડર કરાયેલી વસ્તુઓમાં છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે કોલકાતામાં આઈફોનના નવા મોડેલનો ઓર્ડર કરનાર એક વ્યક્તિએ બોક્સ ખોલતા તેમાંથી સાબુ નીકળતા તેઓ ચોંકી ગયા હતા.
મળતી માહિતી મુજબ, કોલકાતાના એરફોર્સ કેમ્પના રહેવાસી એવા ૩૮ વર્ષીય અધિકારીએ આઈફોનના નવા મોડેલનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે સામાનની ઘરે ડિલિવરી થઈ અને તેમણે બોક્સ ખોલ્યું તો તેઓ ચોંકી ઉઠ્યા કારણકે આ બોક્સમાં આઈફોનની જગ્યાએ સાબુ હતા. તેમણે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અધિકારીએ ઈ-કોમર્સ ફર્મ માટે કામ કરતા કર્મીઓ વિરુદ્ધ એક લેખિત ફરિયાદ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેમણે તારીખ ૨ જાન્યુઆરીએ રૂપિયા ૮૪,૯૦૦ની કિંમતનો એક આઈફોન ૧૨ (૧૨૮જીબી) ઓર્ડર કર્યો હતો. તેમણે આ માટેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કર્યું હતું. જ્યારે ૫ જાન્યુઆરીએ તેમના ઘરે એક પાર્સલ ડિલિવર થયું કે જે ખોલતા તેમાં આઈફોન નહોતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, એક અન્ય વ્યક્તિ સાથે પણ આ પ્રકારની ઘટના બની છે કે જેમાં નવા મોબાઈલના બદલે જૂનો અને તૂટેલો મોબાઈલ ડિલિવર કરાયો હતો. તેમણે પણ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.SSS