કોલકાતામાં જેએનયુ વાળીઃ ફી વધારાનાં વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન
કોલકાતા, જેએનયુમાં ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળા બાદ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે હવે આ પ્રકારનો જ હોબાળો કલકત્તામાં પણ થયો હોવાનું સામે આવ્યું છે. એક કોલેજ દ્વારા ફી વધારવા મુદ્દે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા છે. મળતી માહિતી અનુસાર કોલકાતાનાં દક્ષિણેશ્વરનાં હીરાલાલ મજુમદાર મેમોરિયલ વુમન્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ ફી વધારવા મુદ્દે ભારે હોબાળો કર્યો હતો. એટલે સુધી કે વિદ્યાર્થીઓએ કોલેજની અંદર પણ તોડફોડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજની વાર્ષીક ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓ પ્રિન્સિપલને મળવા માટે પહોંચ્યા હતા.
પ્રિન્સિપાલે સાથે તેમનું ઘર્ષણ થયું ત્યાર બાદ તેમણે કોલેજ પરિસરમાં તોડફોડ કરી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે દર ત્રણ મહિનામાં કોલેજની ફી વધારવામાં આવી રહી છે. પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓનાં આરોપેને ફગાવી દેતા કહ્યું કે, આખા વર્ષની ફી એક સાથે નહી લેતે ત્રણ ત્રણ મહિને તબક્કાવાર લેવામાં આવે છે. તેમણે કહ્યું કે, ફી પ્રોસ્પેક્ટમાં જણાવ્યા અનુસાર જ વસુલવામાં આવી રહી છે. ફી મુદ્દે વિદ્યાર્થીઓનાં આરોપો ખોટા છે.
બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ચાલુ થઇ ચુક્યું છે. તૃણમુલનાં મંત્રી મદન મિત્રએ કહ્યું કે, આ મુદ્દે વાતચીત દ્વારા ઉકેલ આવે તે જરૂરી છે. કોલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ સાથે બેઠક કરીને આ મુદ્દે ઉકેલ લાવવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. કોલેજ કેમ્પસ બહાર વિદ્યાર્થીઓ હજી પણ દેખાવો કરી રહ્યા છે. બીજી તરફ કોલેજ મેનેજમેન્ટ તોડફોડ કરનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવી કે કેમ તે અંગે વિચારણા કરી રહ્યું છે.