કોલકાતા ડોક્ટરના બળાત્કાર-હત્યા કેસમાં અત્યંત ગંભીરતાથી તપાસ થઈ રહી છેઃ CBI
(એજન્સી)નવી દિલ્હી, સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસની તપાસ ‘અત્યંત ગંભીરતાપૂર્વક’ ચાલી રહી છે. સીબીઆઇ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મંગળવારે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની બેન્ચને તપાસ એજન્સીનો પાંચમો સ્ટેટસ રિપોર્ટ સુપરત કર્યાે હતો.
સીબીઆઇએ બેન્ચને જણાવ્યું હતું કે, “કેસમાં ૭ ઓક્ટોબરે આરોપી સંજય રોય સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. કેસની તપાસ અત્યંત ગંભીરતાપૂર્વક ચાલી રહી છે.” સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, “સીબીઆઇના અહેવાલમાં જણાવ્યા અનુસાર તપાસ એજન્સી કેસમાં અન્ય લોકોની ભૂમિકા ચકાસી રહી છે.”
કોર્ટે સીબીઆઇ પાસે ત્રણ સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટની વધુ વિગત માંગી હતી. દરમિયાન કોર્ટે આ મુદ્દે રચાયેલા નેશનલ ટાસ્ક ફોર્સ (એનટીએફ)ની ધીમી પ્રગતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કેસની સુનાવણી હજુ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, કોલકાતા હાઇકોર્ટે ૧૩ ઓગસ્ટે કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી લઇ સીબીઆઇને ટ્રાન્સફર કરી હતી. સીબીઆઇ દ્વારા ૧૪ ઓગસ્ટથી તપાસ શરૂ કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટે ૧૭ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, સીબીઆઇના સ્ટેટસ રિપોર્ટના તારણોથી તે વિચલિત છે. જોકે, રિપોર્ટની વિગત આપવાનો કોર્ટે ઇનકાર કર્યાે હતો. કોર્ટે જણાવ્યું હતું કે, વિગત જાહેર કરવાથી તપાસ પર અસર થઈ શકે. સુપ્રીમ કોર્ટે ૯ સપ્ટેમ્બરે મૃત્યુ પામેલી મહિલા ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલતી વખતે અપાતા મહત્વના દસ્તાવેજ ‘ચલણ’ની ગેરહાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેણે પશ્ચિમ બંગાળ સરકાર પાસે આ મુદ્દે રિપોર્ટ માંગ્યો હતો. કોર્ટે ૨૨ ઓગસ્ટે મહિલા ડોક્ટરના અકુદરતી મૃત્યુની નોંધણીમાં વિલંબ માટે કોલકાતા પોલીસની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે.