કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બેંગલોરનો ભવ્ય વિજય
દુબઈ: ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે બુધવારે અબુધાબી ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૮ વિકેટે ભવ્ય વિજય નોંધાવ્યો હતો.
આ વિજય સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં પ્લેઓફમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર બની ગયું છે. જ્યારે કોલકાતાની મુશ્કેલીઓ વધી છે. બેંગલોર ૧૦ મેચમાં સાત વિજય સાથે ૧૪ પોઈન્ટ સાથે બીજા ક્રમે આવી ગયું છે.
જ્યારે કોલકાતા ચોથા ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ૮૫ રનનો આસાન લક્ષ્યાંક હતો જેને બેંગલોરે ૧૩.૩ ઓવર્સમાં બે વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. ઓપનર દેવદત્ત પડિક્કલે ૧૭ બોલમાં ૨૫ રન નોંધાવ્યા હતા જ્યારે એરોન ફિંચ ૧૬ રને આઉટ થયો હતો. ગુરકિરાટ સિંઘ માન ૨૧ અને કેપ્ટન વિરાટ કોહલી ૧૮ રને નોટઆઉટ રહ્યા હતા.
કોલકાતા માટે લોકી ફર્ગ્યુસને એક વિકેટ ઝડપી હતી. અગાઉ કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો.
પરંતુ બેંગલોરના બોલર્સે ધમાકેદાર પ્રદર્શન કરતા કોલકાતાની ટીમ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૮૪ રન જ નોંધાવી શકી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી કોલકાતાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ત્રણ રનના સ્કોરે તેના ત્રણ બેટ્સમેનો ગુમાવી દીધા હતા. મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે કોલકાતાનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો હતો.
શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીની ઓપનિંગ જોડી નિષ્ફળ રહી હતી. બંને બેટ્સમેન એક-એક રન નોંધાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. નિતિશ રાણા ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો.
જ્યારે ટોમ બેન્ટન ૧૦ અને દિનેશ કાર્તિક ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. એકમાત્ર કેપ્ટન ઈયોન મોર્ગન લાંબો સમય સુધી ક્રિઝ પર ટકી રહેવામાં સફળ રહ્યો હતો. ૪૦ રનમાં તો ટીમના છ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. જોકે, મોર્ગને ધીમે ધીમે સ્કોરને આગળ ધપાવ્યો હતો.
મોર્ગને ટીમ માટે સૌથી વધુ ૩૪ બોલમાં ૩૦ રન નોંધાવ્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. આ ઉપરાંત કુલદીપ યાદવે ૧૨ તથા લોકી ફર્ગ્યુસને ૧૯ રનનું યોગદાન આપ્યું હતું. બેંગલોર માટે મોહમ્મદ સિરાજે ત્રણ, યુજવેન્દ્ર ચહલે બે તથા વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈનીએ એક-એક વિકેટ ઝડપી હતી.