Western Times News

Gujarati News

કોલસા કૌભાંડ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત ત્રણને 3 વર્ષની જેલ

નવી દિલ્હી, કોલસા કૌભાંડમાં દોષિત ઠરેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત કુલ ત્રણ જણને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી હતી. આમ તો આ પહેલાંની સુનાવણી દરમિયાનજ આ ત્રણે દોષિત જાહેર થયા હતા પરંતુ એ સુનાવણીમાં આ લોકો ગેરહાજર હતા.

કોર્ટે ત્રણે જણને એ પછીની સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાની તાકીદ કરી હતી. આજે આ ત્રણે દોષિતોને ત્રણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

અત્રે એ યાદ કરવા જેવું છે કે 1999માં ઝારખંડના ગિરિદીહ વિસ્તારની બ્રહ્મદિહા કોલસા ખાણમાં થયેલા કૌભાંડમાં દિલીપ રે સહિત કેટલાક લોકો સામે સીબીઆઇની તપાસ ચાલી રહી હતી. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આ ત્રણેને છઠ્ઠી ઓક્ટોબરની સુનાવણીમાં દોષિત જાહેર કર્યા હતા.  એ સુનાવણીમાં આ લોકો હાજર નહોતા એટલે કોર્ટે 26 ઓક્ટોબર એટલે કે આજે સોમવારની સુનાવણીમાં તેમને અચૂક હાજર રહેવાની તાકીદ કરી હતી.

સીબીઆઇએ તો આ કૌભાંડીઓને આજીવન કેદની સજા કરવાની હિમાયત કરી હતી પરંતુ આરોપીઓના વકીલે એવી દલીલ કરી હતી કે આ આરોપીઓનો કોઇ આપરાધિક રેકોર્ડ નથી, આ તેમનો પહેલો અપરાધ છે એટલે તેમને થોડી રાહત આપવી.

અત્યાર અગાઉ ઝારખંડના મુખ્ય પ્રધાન મધુ કોડા પણ આરોપી પુરવાર થઇ ચૂક્યા હતા. તેમને ત્રણ વર્ષની જેલ ઉપરાંત કોર્ટે પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ખામ મંત્ર્યાલયના ભૂતપૂર્વ સચિવ એચ સી ગુપ્તાને પણ ત્રણ વર્ષની જેલની સજા એક લાખ રૂપિયાનો દંડ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.